જો ટ્રેનમાં તમારો સામાન ચોરાઈ જાય તો રેલવે વળતર ચૂકવવા જવાબદાર; જાણો શું છે નિયમ?
Indian Railways: ટ્રેનમાં મહિલાનો સામાન ચોરાઈ ગયા બાદ ગ્રાહક ફોરમે રેલવેને 1.08 લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. દિલ્હીમાં એક ગ્રાહક ફોરમે ભારતીય રેલવેને 'બેદરકારી અને સેવાના અભાવ' માટે જવાબદાર ગણાવ્યું છે. આ સાથે મહિલાને 1.08 લાખ રૂપિયા આપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. દિલ્હીની રહેવાસી જયા કુમારી માલવા એક્સપ્રેસના રિઝર્વ્ડ કોચમાં મુસાફરી કરી રહી હતી. તે સમયે તેનો સામાન ચોરાઈ ગયો હતો. આ કેસની સુનાવણી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ)ના અધ્યક્ષ ઈન્દરજીત સિંહ અને સભ્ય રશ્મિ બંસલ દ્વારા કરવામાં આવી હતી.
2016માં દિલ્હીથી ઈન્દોર જતી વખતે આ ઘટના બની હતી
ફરિયાદી મહિલા જયા કુમારીના વકીલ પ્રશાંત પ્રકાશ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જયાના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2016માં, ઝાંસી અને ગ્વાલિયર વચ્ચે માલવા એક્સપ્રેસમાં તેના કોચમાં હાજર કેટલાક લોકો, જેમની પાસે રિઝર્વેશન નહોતું, તેણે તેની બેગ ચોરી લીધી હતી. તેણે કહ્યું કે તેણે તરત જ ટીટીઈને આની જાણ કરી હતી. પરંતુ કોઈ તાગ મળ્યો ન હતો. આ ઘટના અંગે રેલવે પ્રશાસનને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ તેની ફરિયાદ પર કોઈ સુનાવણી થઈ ન હતી.
રેલવેને સમગ્ર મામલાની સુનાવણી કરવાનો અધિકાર
ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે મુસાફરોની સલામત અને આરામદાયક મુસાફરી તેમજ તેમના સામાનની સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી રેલવેની છે. ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પીડિત મહિલાનો સામાન મળ્યો ન હતો. સુનાવણી બાદ કન્ઝ્યુમર ફોરમે કહ્યું કે ફરિયાદી દિલ્હીથી ટ્રેન પકડીને ઈન્દોર જવાનું હતું. તેથી, રેલવેને આ સમગ્ર મામલાની સુનાવણી કરવાનો અધિકાર હતો. 'વિરોધી પક્ષ' (જનરલ મેનેજર, ભારતીય રેલ્વે) નું કાર્યાલય પંચના અધિકારક્ષેત્રમાં હતું.
કન્ઝ્યુમર ફોરમે રેલવેની દલીલ ફગાવી દીધી
સુનાવણી દરમિયાન ફોરમે રેલવેની એ દલીલને ફગાવી દીધી હતી કે જયા કુમારીએ તેમનો સામાન રાખવામાં બેદરકારી દાખવી હતી અથવા તેમનો સામાન બુક કરવામાં આવ્યો ન હતો. પંચે મહિલાના નિવેદનને સ્વીકાર્યું હતું કે તેણે એફઆઈઆર નોંધાવવા માટે જગ્યાએ-ઠેકાણે ભટકવું પડ્યું હતું. 'સામાન ચોરાઈ ગયા બાદ એફઆઈઆર નોંધાવવા માટે મહિલાને કેટલી મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું તે સ્પષ્ટપણે દર્શાવે છે કે પીડિતાને તેના કાયદાકીય અધિકારો માટે મુશ્કેલી અને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો.'
કુલ રૂ.1.8 લાખ ચૂકવવા આદેશ
કન્ઝ્યુમર ફોરમે સ્વીકાર્યું હતું કે રેલવેની બેદરકારી અને સેવાના અભાવને કારણે માલની ચોરી થઈ છે. મહિલાએ રિઝર્વ્ડ ટિકિટ લઈને મુસાફરી કરી હતી, છતાં તેનો સામાન ચોરાઈ ગયો હતો. કમિશને કહ્યું, 'જો રેલ્વે અથવા તેના કર્મચારીઓની સેવામાં કોઈ બેદરકારી કે ઉણપ ન હોત તો કદાચ આ ચોરી ન થઈ હોત...' તેથી, પંચે વિચાર્યું કે મહિલાનું 80,000 રૂપિયાનું નુકસાન થયુ છે. આ સમગ્ર મામલે કમિશને મહિલાને મુશ્કેલી માટે 20,000 અને 8,000 રૂપિયા ખર્ચ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ટ્રેનમાંથી સામાનની ચોરી અંગે શું છે નિયમ?
આરક્ષિત કોચમાં મુસાફરી કરતાં મુસાફરોના સામાનની સુરક્ષા માટે રેલવે જવાબદાર છે. મુસાફરોએ તેમનો સામાન તેમની સાથે રાખવો જોઈએ અને કિંમતી સામાન સાચવવો જોઈએ. ટ્રેનોમાં સુરક્ષા રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા પૂરી પાડવામાં આવે છે. જો કોઈ મુસાફરનો સામાન ચોરાઈ જાય, તો તેણે તરત જ રેલવે કર્મચારી (જેમ કે TTE, RPF અધિકારી)ને તેની જાણ કરવી જોઈએ. રેલવે સ્ટાફ પેસેન્જર રિપોર્ટ ફાઇલ કરવામાં મદદ કરશે. રેલવે પ્રશાસન અને આરપીએફ મુસાફરોની એફઆઈઆરના આધારે તપાસ કરે છે. કેટલાક કિસ્સામાં મુસાફરને વળતર પણ મળી શકે છે.