168 ઉંદરોને પકડવા પાછળ રેલવેએ ખર્ચ્યા 69 લાખ રૂપિયા? લખનઉ ડિવિઝને કરવી પડી સ્પષ્ટતા
એક ઉંદરને પકડવા માટે 41 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે
Image:Pixabay |
ઉત્તર રેલવે ઉંદરોથી છુટકારો મેળવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. જેના માટે રેલવે લાખો રૂપિયા પણ ખર્ચ કરી રહ્યું છે. મળેલા અહેવાલો પ્રમાણે એક ઉંદરને પકડવા માટે 41 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આવી રીતે ત્રણ વર્ષમાં 69 લાખ રૂપિયા ઉંદર પકડવા પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે. ઉત્તર રેલવે ઉંદરના આતંકથી રાહત મેળવવા માટે એક વર્ષ દરમિયાન 22 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. હવે લખનઉ ડિવિઝને આ અંગે પ્રતિક્રિયા આપી છે અને ખંડન રજૂ કર્યું છે.
લખનઉ ડિવિઝને આપી સ્પષ્ટતા
લખનઉ ડિવિઝનમાં તૈનાત વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે આ માહિતી ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલવે જણાવ્યું કે લખનઉ ડિવિઝનમાં જંતુઓ અને ઉંદરોને નિયંત્રિત કરવાની જવાબદારી ગોમતીનગર સ્થિત મેસર્સ સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનની છે. આ ભારત સરકારનું બાંયધરી છે. તેનો ઉદ્દેશ્ય જંતુઓ અને ઉંદરોને કંટ્રોલ કરવાનો છે. આમાં ફ્લશિંગ, છંટકાવ, સ્ટેબલિંગ અને જાળવણી, જીવાતથી રેલ્વે લાઇનનું રક્ષણ અને ટ્રેનની બોગીમાં ઉંદરોને પ્રવેશતા અટકાવવાનો સમાવેશ થાય છે.
માહિતીને ખોટી રીતે રજુ કરવામાં આવી
રેલવેએ વધુમાં જણાવ્યું હતું કે આમાં ઉંદરોને પકડવું સામલે નથી પરંતુ તેમની સંખ્યામાં થનાર વધારાને અટકાવવાનો સમાવેશ થાય છે. બીજી તરફ ટ્રેનોની બોગીઓમાં ઉંદર અને જંતુઓથી બચાવ માટે જંતુનાશક દવાના છંટકાવથી માંડીને અનેક પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. લખનઉ ડિવિઝને વાંધો ઉઠાવ્યો અને કહ્યું એક ઉંદર પર 41 હજાર રૂપિયા ખર્ચ કરવાની વાતને ખોટી રીતે રજુ કરવામાં આવી છે. રેલ્વે અધિકારીનું કહેવું છે કે 25 હજાર કોચમાં ઉંદરોને કાબૂમાં લેવા માટે 94 રૂપિયા પ્રતિ બોગી ખર્ચવામાં આવે છે.