ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો કેર યથાવત, આજે 26 ટ્રેનો મોડી, કેટલાક વિસ્તારોમાં IMDનું રેડ એલર્ટ
ભારતીય રેલવે દ્વારા મોડી ચાલી રહેલી ટ્રેનોની યાદી જાહેર કરી છે
weather forecast north india : દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો પ્રકોપ યથાવત રહેતા દિલ્હી આવતી 26 ટ્રેન મોડી ચાલી રહી છે. રેલવે દ્વારા આ ટ્રેનોની યાદી જાહેર કરવામાં આવી છે. આજે પણ હવામાન વિભાગે કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે જેના કારણે ટ્રાફિક પર તેમજ રોડ-રેલ સેવાને પણ અસર જોવા મળી રહી છે. ગાઢ ધુમ્મસને કારણે આજે પણ 26 ટ્રેન મોડી દોડી ચાલી રહી છે. ભારતીય રેલવે આ ટ્રેનોની યાદી જાહેર કરી છે. આજે રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કેટલીક ટ્રેનો 5થી છ કલાક જેટલી મોડી ચાલી રહી છે જેના પગલે મુસાફરોને મુશ્કોલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બનારસ-નવી દિલ્હી એક્સપ્રેસ, કાનપુર-નવી દિલ્હી શ્રમશક્તિ, ચેન્નઈ-નવી દિલ્હી, હૈદરાબાદ-નવી દિલ્હી, કામાખ્યા-દિલ્હી એક્સપ્રેસ, રાજેન્દ્રનગર-નવી દિલ્હી સહિતની ટ્રેનોનો સામેવશ થાય છે.
આજે કેટલાક વિસ્તારોમાં IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું
દિલ્હીમાં ગઈકાલે મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જેટલુ રહ્યું હતું. હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે અને કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.