મુસાફરોની સુવિધા માટે રેલવે લગાવી રહ્યું છે સ્ટેશનો પર પેનિક બટન, જાણી લો તે અંગે સંપૂર્ણ માહિતી
પેનિક બટન લગાવવા હાલમાં કુલ 117 સ્ટેશનોને પસંદ કરવામાં આવ્યા છે
સંકટ સમયે પેનિક બટનનો ઉપયોગ કરી રેલવે સુરક્ષા દળની મદદ લઈ શકાશે
Image Envato |
તા. 30 ડિસેમ્બર 2023, શનિવાર
Indian Railway: ભારતીય રેલવે દ્વારા મુસાફરોની યોગ્ય સુવિધા મળી રહે તે રીતે દેશભરમાં હજારો ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આજના સમયે ટ્રેનોમાં રોજ કરોડો લોકો મુસાફરી કરી રહ્યા છે. યાત્રાળુઓને મુસાફરીમાં કોઈ અસુવિધા ન પડે તે માટે કેટલાક નિયમો અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આ સિવાય ભારતીય રેલવે દ્વારા સ્ટેશનોનું રિનોવેશન અને ટ્રેનોની સ્પીડ વધારવા માટે પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી હવે સ્ટેશનો પર એક ખા પ્રકારનું પેનિક બટન લગાવવાનું કામ ચાલી રહ્યું છે. આવો જાણીએ આ પેનિક બટન શું છે અને તે કેવી રીતે કામ કરી રહ્યુ છે.
પેનિક બટન લગાવવા માટે હાલમાં કુલ 117 સ્ટેશનોને પસંદ કરવામાં આવ્યા છે
રિપોર્ટ પ્રમાણે મધ્ય રેલવે વિભાગ તેના નેટવર્ક સાથે જોડાયેલ સ્ટેશનો પર પેનિક બટન લગાવવાની યોજના તૈયાર કરી રહી છે. પેનિક સ્વિચ બટન લગાવવા માટે હાલમાં કુલ 117 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે.
સંકટ સમયે પેનિક બટનનો ઉપયોગ કરી રેલવે સુરક્ષા દળની મદદ લઈ શકાશે
પેનિક બટન એક ખાસ પ્રકારે સલામતી માટેનું ઉપકરણ છે. કટોકટીની સ્થિતિમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. સંકટ સમયે મુસાફર પેનિક બટનનો ઉપયોગ કરીને રેલવે સુરક્ષા દળ (RPF)ને સાવચેત કરે છે.
સ્વીચને દબાવતાની સાથે તરત જ એક એલર્ટ સીધું RPF કંટ્રોલ રૂમમાં પહોંચશે
પેનિક બટનનો ઉપયોગ કરીને મુસાફર કોઈપણ પ્રકારની સહાયતા માટે આરપીએફ કર્મચારીઓની સહાયતા લઈ શકશે. પેનિક બટન પર લગાવવામાં આવેલી સ્વીચને દબાવતાની સાથે તરત જ એક એલર્ટ સીધું RPF કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે. અને તેની સાથે મુસાફરની ઓળખ કરીને તરત તેની મદદ પહોચાડવામાં આવશે. રેલવે સ્ટેશનો પર પેનિક બટન લગાવવાની યોજનાને એક વર્ષમાં પુરી કરવામાં આવશે.