IRCTC Down: રેલવે મુસાફરોને ભયાનક હાલાકી, બે કલાકથી બુકિંગ સહિતની સર્વિસ ઠપ, પરંતુ રેલવે પાસે જવાબ નથી
IRCTC DOWN: ભારતીય રેલવેના ઓનલાઇન ટિકિટ બુકિંગ પ્લેટફૉર્મ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ ઍન્ડ ટુરિઝમ કૉર્પોરેશન(IRCTC) પરથી ટિકિટનું ઓનલાઇન બુકિંગ, કેન્સલેશન, તત્કાલ ટિકિટ બુકિંગ જેવી બધી જ સેવાઓ ઠપ થઈ ગઈ છે. IRCTCની વેબસાઇટ ડાઉન હોવાને કારણે સોમવારે મુસાફરો ટિકિટનું બુકિંગ કરી શક્યા ન હતા. સામાન્ય રીતે ઍપ્લિકેશનના મેન્ટેનન્સનું કામ રાત્રે 11 વાગ્યા પછી કરવામાં આવે છે. પરંતુ IRCTCના બધા પ્લેટફૉર્મ આજ સવારથી જ ઠપ થઈ ગયા હતા.
મુસાફરોની હાલકી
વેબસાઇટને ટ્રેક કરતાં ટૂલ Downdetectorના જણાવ્યા અનુસાર, યુઝર્સને આજે IRCTCની વેબસાઇટ અને મોબાઇલ એપ પ્લેટફૉર્મ પર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 50 ટકા યુઝર્સ વેબસાઇટ ચાલુ કરી શક્યા ન હતા. જ્યારે 40 ટકા મોબાઇલ એપ યુઝર્સને એપનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી હતી અને 10 ટકા લોકો ટિકિટ બુક કરાવી શકતા ન હતા. જેને લઈને મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
બે કલાકથી સેવાઓ ઠપ છતાં રેલ્વે પાસે કોઈ જવાબ નથી
આજે સવારે 10 વાગ્યાથી IRCTCની વેબસાઇટ ડાઉન થઈ ગઈ છે. બે કલાકથી બુકિંગ સહિતની બધી જ સર્વિસ ઠપ થઈ ગઈ છે. હજુ સુધી એક પણ પ્લેટફૉર્મ પૂરી રીતે કાર્યરત થયા નથી. સાઇટને ખોલતાંની સાથે માત્ર મેઇન્ટેનન્સ ચાલુ હોવાનો મેસેજ જ મળી રહ્યો છે. વેબસાઇટ કેમ ડાઉન છે તે અંગે રેલવે કે IRCTC તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. તત્કાલ ટિકિટ બુકિંગ સવારે 10-11 વાગ્યાની વચ્ચે ચાલુ થાય છે. IRCTC એપ અને મોબાઇલ બંનેમાં સમસ્યાઓ છે. યુઝર્સ એપ ઓપન કરી શકતા નથી. હવે સોશિયલ મીડિયા પર લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકો IRCTC અને ભારતીય રેલ્વેને ટેગ કરીને ઘણાં સવાલો પૂછી રહ્યા છે. પરંતુ રેલ્વેએ અંગે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.