ભારતીય રેલ્વેના લોકોમોટિવ એન્જીન આફ્રિકાની ટ્રેનોમાં દોડશે, સ્વદેશી ટેકનોલોજીનો વિદેશમાં વાગશે ડંકો
આ લોકોમોટિવમાં ૪૫૦૦ એચપી ઇવોલ્યૂશન સીરીઝનું એન્જીન છે
ઇવોલ્યૂશન સીરીઝ ૪૩ લોકોમોટિવ ૨૦૨૫ સુધીમાં આફ્રિકા મોકલાશે
નવી દિલ્હી,૨૫ સપ્ટેમ્બર,૨૦૨૪,બુધવાર
દુનિયામાં રેલ્વેનું વિશાળ નેટવર્ક ધરાવતા ભારતીય રેલ્વેના એન્જીન આફ્રિકાની ટ્રેનોમાં દોડશે. પ્રાપ્ત માહિતી અનુસાર આઝાદી પછી પ્રથમવાર ભારત રેલ્વે એન્જીનની આફ્રિકામાં નિકાસ કરશે, આત્મનિર્ભર ભારત હેઠળ આફ્રિકી દેશોમાં બિહારના મઢોરા રેલ્વે એન્જીન કારખાનામાં તૈયાર થયેલા ઇવોલ્યૂશન સીરીઝ ૪૩ લોકોમોટિવ ૨૦૨૫ સુધીમાં આફ્રિકા મોકલવામાં આવશે. આ લોકોમોટિવમાં ૪૫૦૦ એચપી ઇવોલ્યૂશન સીરીઝનું એન્જીન છે જે ઉચ્ચ તાપમાનવાળા વાતાવરણમાં ઇંધણમાં જોડાયેલી સર્વશ્રેષ્ઠ કાર્યક્ષમતા આપે છે.
ભારતીય રેલ્વે અને સહાયક કંપની એન્જીનની નિકાસ માટે પોતાની કામગીરીનો વિસ્તાર કરી રહયું છે. અત્યાર સુધી ૬૫૦ લોકોમોટિવનું નિર્માણ કરવામાં આવ્યું છે જેને ભારતીય રેલ્વેના લોકોમેટિવ એન્જીનના બેડામાં સામેલ કરવામાં આવ્યા છે. ૭૦ એકરમાં ફેલાયેલા મઢૌરા રેલ્વે એન્જિન નિર્માણ કારખાનાની સ્થાપના ૨૦૧૮માં થઇ હતી.આ કારખાનું સ્થાપવાનો હેતું ભારતીય રેલ્વે દ્વારા સ્વદેશી ધોરણે અતિ આધૂનિક લોકોમોટિવની સ્થાપના કરવાનો હતો. પ્રથમવાર આ સંયંત્રમાં એક ગ્લોબલ કસ્ટમર માટે લોકોમોટિવનું નિર્માણ કાર્ય કરશે. નિષ્ણાતોનું માનવું છે કે એન્જીન નિકાસની આ પરિયોજના ભારતને વૈશ્વિક એન્જીન નિર્માણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.