કોરાના બાદ બંધ થયેલી સ્કીમ ફરી શરૂ થશે, વરિષ્ઠ નાગરિકો સસ્તામાં માણી શકશે રેલવેની મજા

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
Train fare concessions for senior citizens


Indian Railways will offer concession for senior citizen: ભારતીય રેલવે લોકોની મુસાફરીને સરળ અને અનુકૂળ બનાવવા નિયમોમાં સમયાંતરે ફેરફાર કરી રહી છે. જેમાં અનેક પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોરોના વાયરસ મહામારી પહેલાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન વરિષ્ઠ નાગરિકોને ભાડામાં વિશેષ છૂટ મળતી હતી. લોકડાઉન બાદ વરિષ્ઠ નાગરિકોને મળતી આ છૂટ બંધ કરવામાં આવી હતી. જો કે, હવે ફરી આ લાભ મળવાની શક્યતા છે.

ભારતીય રેલવે ટૂંકસમયમાં જ ફરી આ છૂટનો લાભ શરૂ કરી શકે છે. મીડિયા સૂત્રો અનુસાર, કોરોના વાયરસ મહામારી પહેલાં ટિકિટના દરમાં 58 વર્ષ કે તેથી વધુ વયજૂથની મહિલાઓને 50 ટકા અને 60 વર્ષ કે તેથી વધુ વયજૂથના પુરૂષ વરિષ્ઠ નાગરિકોને 40 ટકા છૂટ મળતી હતી. જે બંધ થયા બાદ તેઓએ સામાન્ય નાગરિકની જેમ ટિકિટ ખરીદવી પડે છે.

સ્લિપર ક્લાસમાં છૂટ મળવાની શક્યતા

રેલવે દ્વારા સ્લિપર ક્લાસમાં વરિષ્ઠ નાગરિકોને છૂટ મળી શકે છે. જેની પાછળનો તર્ક આ કેટેગરીમાં આર્થિક રીતે નબળા વરિષ્ઠ નાગરિકો પણ સગવડતાયુક્ત મુસાફરી કરી શકે. જરૂરિયાતમંદોની સુવિધાને ધ્યાનમાં રાખી સ્લીપર ક્લાસમાં આ છૂટ મળી શકે છે. ઉલ્લેખનીય છે, ઈન્ડિયન રેલવે અને કેન્દ્ર સરકાર તરફથી આ સંદર્ભે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નોંધ્યું હતું કે, મહામારી બાદ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકોની મુસાફરીમાં વધારો થયો છે. ટ્રેનમાં મુસાફરી કરતાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા 2020-21માં 1.87 કરોડથી વધી 2021-22માં 4.74 કરોડ થઈ છે. જેથી તેમને ભાડામાં છૂટ આપવા પર સરકાર વિચારણા કરી શકે છે.

  કોરાના બાદ બંધ થયેલી સ્કીમ ફરી શરૂ થશે, વરિષ્ઠ નાગરિકો  સસ્તામાં માણી શકશે રેલવેની મજા 2 - image


Google NewsGoogle News