160 કિમી/કલાકની ઝડપ, વિમાન જેવી સુવિધાઓ...: જલ્દી જ પાટા પર દોડશે આ બે ખાસ ટ્રેન
Image Twitter |
Indian Railway Launch New Trains: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સતત તાબડતોડ કામ થઈ રહ્યું છે. રેલવે દ્વારા ટુંક સમયમાં જ બે નવી ટ્રેનો શરુ કરવામાં આવી રહી છે. રેલ્વેએ સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ, વંદે મેટ્રોને લઈને એક નવું અપડેટ આપ્યું છે. વંદે ભારત સ્લીપર અને વંદે ભારત મેટ્રો રેલ ટૂંક સમયમાં પાટા પર દોડતી થઈ જશે. લાંબા અંતરની મુસાફરી માટે વંદે ભારતને ચલાવવા માટે રેલ્વે ટૂંક સમયમાં તેને સ્લીપર કોચ સાથે શરૂ કરવા જઈ રહ્યું છે. આ સાથે ટૂંકા અંતરના શહેરો વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન તરીકે વંદે મેટ્રો દોડવા જઈ રહ્યું છે.
સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ અને વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે
રેલવેએ સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ અને વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. જે ટ્રેનો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂકી છે. તેની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, આ ટ્રેન મુસાફરોને ફ્લાઈટ જેવી અનુભૂતિ આપવા જઈ રહી છે. રેલવેના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં આ ટ્રેનોની ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને તેને મુસાફરો માટે ખોલવામાં આવશે.
Image Twitter |
વંદે ભારત સ્લીપર લક્ઝરી ટ્રેન પાટા પર ઉતારવા માટે લગભગ તૈયાર છે. બસ તેના માટે રેલવે તરફથી ગ્રીન સિગ્નલ મળવાની રાહ જોવાઈ રહી છે. આ ટ્રેનમાં મુસાફરોને ફ્લાઈટ જેવી સુવિધા મળશે. માહિતી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, રેલવે તેને ઓગસ્ટ મહિનામાં શરૂ કરી શકે છે. ટ્રેનની ખાસિયતની વાત કરીએ તો તેની મેક્સિમમ સ્પીડ 220 કિલોમીટર પ્રતિ કલાક હશે. જ્યારે શરૂઆતની સ્પીડ 140 કિમી રહેશે.
image Twitter |
મુસાફરી આરામદાયક રહે તેવી રીતે ડિઝાઈન
લાંબા અંતરની મુસાફરી હેતુ વંદે ભારત સ્લીપર ટ્રેનને ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. લોકોની મુસાફરી આરામદાયક રહે તેવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે. વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિર્માણ આંતરરાષ્ટ્રીય ધોરણો પર કરવામાં આવ્યું છે. વંદે ભારત ટ્રેનની સરખામણીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનનો આગળનો ભાગ ગરુડ જેવો આકાર આપવામાં આવ્યો છે. ટ્રેનમાં 16 બોગી હશે.
ત્રણ પ્રકારના કોચ લગાવવામાં આવશે
ટ્રેનમાં ત્રણ પ્રકારના કોચ લગાવવામાં આવશે. જેમાં ફર્સ્ટ ક્લાસ એસી, સેકન્ડ ક્લાસ એસી અને થર્ડ ક્લાસ એસી કોચનો સમાવેશ થાય છે. જેમાં દરેક પ્રકારની સુવિધાઓ હશે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં એક સમયે વધુમાં વધુ 823 મુસાફરો યાત્રા કરી શકશે. જેમાંથી 611 મુસાફરો થર્ડ એસી કોચમાં, 188 મુસાફરો સેકન્ડ એસી કોચમાં અને 24 મુસાફરો ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરી શકશે. મુસાફરોને આરામદાયક સીટ, સેન્સર લાઇટ, મિડલ અને અપરની બર્થ પર ચઢવા માટે સીડીની સુવિધા મળશે. તમામ લાઇટ સેન્સરથી સજ્જ હશે. ટ્રેનમાં બાયો ટોયલેટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં ટોયલેટમાં નહાવા માટે શાવરની સુવિધા પણ મળી રહેશે.
બોગીમાં જ એન્જિન લગાવવામાં આવશે
વંદે મેટ્રોમાં અલગ એન્જિનની જરૂર નહીં પડે. તેમની બોગીમાં જ એન્જિન લગાવવામાં આવશે. દરેક બોગીમાં 100 મુસાફરોને બેસવા માટે સીટ હશે. બાકીના લોકો ઉભા રહીને પણ મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત ઊભા રહીને મુસાફરી કરનારા માટે અલગ બોગી પણ લગાવવામાં આવશે, જેમાં 200 મુસાફરો બેસી શકશે.
દેશના 124 શહેરોમાં વંદે મેટ્રો ટ્રેન ચલાવવા રેલવેની તૈયારી
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રેલવે દેશના 124 શહેરોમાં વંદે મેટ્રો ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ટ્રેન લખનૌ-કાનપુર, આગ્રા-મથુરા, દિલ્હી-મથુરા, ભુવનેશ્વર-બાલાસોર અને તિરુપતિ-ચેન્નઈ જેવા શહેરોમાં ચલાવવામાં આવશે.