રેલવેએ બદલ્યું વંદે મેટ્રોનું નામ, વડાપ્રધાન મોદી આજે પહેલી ટ્રેનને બતાવશે લીલી ઝંડી
Vande Metro name changed : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવા જઈ રહ્યાં છે, તે પહેલાં રેલવેએ આજે મોટો નિર્ણય લીધો છે. વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે. દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે.
આ પહેલાં આરઆરટીએસનું નામ રેપિડએક્સથી બદલીને નમો ભારત કરવામાં આવ્યું છે. દેશની પહેલી નમો ભારત ટ્રેન દિલ્હીથી મેરઠની વચ્ચે ચાલશે. તેના અમુક સેક્શન શરૂ થઈ ચુક્યાં છે. વડાપ્રધાન મોદી આ સાથે છ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવીને રવાના કરશે.
દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદની વચ્ચે શરૂ થશે. આ ટ્રેનનું સંચાલન અઠવાડિયામાં 6 દિવસ થશે. દર અઠવાડિયે રવિવારે ભુજથી તેની સેવા નહીં મળે, તેમજ અમદાવાદથી તેની સેવા શનિવારે નહીં મળે. રસ્તામાં તે અંજાર, ગાંધીધામ, ભચાઉ, સમખિયાલી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતીમાં રોકાશે. આ ટ્રેન ભુજથી સવારે 05:05 વાગ્યે રવાના થશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે. વાપસીમાં આ ટ્રેન અમદાવાદથી સાંજ 05:30 વાગ્યે ખુલશે અને રાત્રે 11:10 વાગ્યે ભુજ પહોંચશે.
આ પણ વાંચોઃ PM મોદીનો ગુજરાત પ્રવાસ: આઠ હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે, જાણો સમગ્ર કાર્યક્રમ
કેટલું છે ભાડુ?
વંદે મેટ્રો ટ્રેન પોતાની આ યાત્રામાં 9 સ્ટેશનોએ રોકાશે. આ ટ્રેનનું રોકણ દરેક સ્ટેશન પર આશરે 2 મિનિટ સુધી રહેશે અને 5 કલાક 45 મિનિટમાં યાત્રા પૂરી કરશે. વંદે મેટ્રો ટ્રેનના ભાડાની યાદી પણ રજૂ કરવામાં આવી છે. તેમાં ઓછું ભાડુ 28 રૂપિયા છે. તેના પર સુપરફાસ્ટ સરચાર્જ, રિઝર્વેશન ચાર્જ અને જીએસટી ચાર્જ ચૂકવવાનો રહેશે.
જો તમે વંદે મેટ્રો ટ્રેનમાં 50 કિમી સુધીની યાત્રા કરો છો તો તમારે 60 રૂપિયા+જીએસટી અને અન્ય એપ્લિકેશન ચાર્જ ચૂકવવાનો રહેશે. તેના ઉપર દર કિલોમીટર પર 1.20 રૂપિયાનું મૂળ ભાડુ વધતું રહેશે. તેને મુંબઈમાં ચાલતી એસી સબઅર્બનથી પણ સસ્તી બનાવવામાં આવી રહી છે.
મુસાફરોને મળશે આ અદ્યતન સુવિધા
સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 એસી કોચ છે. જેમાં ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, સતત એલઈડી લાઈટિંગ, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના શૌચાલય, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે.