Get The App

VIDEO: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- ‘આઝાદીના ઉત્સવમાં ભાગ લેનાર તમામ દેશવાસી અમારો પરિવાર’

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
India President Addresses Nation Ahead Independence Day 2024


Independence Day 2024 : આવતીકાલે 15મી ઓગસ્ટે દેશભરમાં સ્વતંત્રતા પર્વની ધૂમધામથી ઉજવણી થવાની છે, ત્યારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Droupadi Murmu)એ રાષ્ટ્રજોગ સંબોધન કરી દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે, આઝાદીના ઉત્સવમાં ભાગ લેનાર તમામ દેશવાસી અમારો પરિવાર છે. રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધી, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ અને સુખદેવ જેવા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને પણ યાદ કર્યા હતા.

‘લહેરાતો તિરંગો જોઈ આપણું હૃદય ઉત્સાહથી ભરાઈ જાય છે’

તેમણે સંબોધનમાં કહ્યું કે, ‘મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે, તમામ દેશવાસીઓ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. સ્વતંત્રતા પર્વે તિરંગો લહેરાતો જોઈ, ભલે તે લાલ કિલ્લા પર લહેરાતો હોય, રાજ્યોની રાજધાનીઓમાં હોય કે પછી આપણી આસપાસ લહેરાતો હોય, આ જોઈ આપણું હૃદય ઉત્સાહથી ભરાઈ જાય છે.’

‘દેશ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવી રહ્યો છે’

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘આપણો દેશ આજે 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવી રહ્યો છે. આ વિભાજનની ભયાનકતાને યાદ કરવાનો દિવસ છે. જ્યારે આપણા મહાન રાષ્ટ્રનું વિભાજન થયું, ત્યારે લાખો લોકો ભાગવા મજબૂર થયા હતા અને અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. આપણે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આ અભૂતપૂર્વ માનવીય અત્યાચારને યાદ કરીએ છીએ અને તે પરિવારોને યાદ કરીએ છીએ, જેઓ વિખેરાઈ ગયા છે.’

આ પણ વાંચો : કાલે દેશભરમાં ઉજવાશે સ્વતંત્રતા દિવસ, વડાપ્રધાન લાલ કિલ્લા પર ફરકાવશે ધ્વજ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

રાષ્ટ્રપતિએ 80 કરોડ લોકોને મફત રાશન આપવાનો કર્યો ઉલ્લેખ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, આપણે આપણા પરિવાર સાથે વિવિધ તહેવારો ઉજવીએ છીએ, એવી જ રીતે આપણે આપણા પરિવાર સાથે સ્વતંત્રતા પર્વ અને ગણતંત્ર પર્વ પણ ઉજવીએ છીએ અને તેના તમામ દેશવાસીઓ સભ્યો છે. આપણો એક એવી પરંપરાનો એક ભાગ છીએ જે સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓ અને ભવિષ્યની પેઢીઓની આકાંક્ષાઓને જોડે છે, જેઓ આવનારા વર્ષોમાં આપણા રાષ્ટ્રનું સંપૂર્ણ ગૌરવ પ્રાપ્ત કરતા જોશે.

તેમણે કહ્યું કે, ઘણી સરકારી યોજનાઓએ આર્થિક રીતે નબળા વર્ગના લોકોનો ઉત્કર્ષ કર્યો છે અને 80 કરોડ લોકોને મફત રાશન અને સુવિધાઓ પૂરી પાડી છે. સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે ઘણી યોજના શરૂ કરી છે.

આ પણ વાંચો : 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવા વચ્ચે શું છે તફાવત? જાણો નિયમો


Google NewsGoogle News