વડાપ્રધાન મોદી યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાતે જશે, 30 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાનની મુલાકાત
PM Modi Ukraine And Poland Visit : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાતે જવાના હોવાાન અહેવાલો સામે આવ્યા છે. છેલ્લા 30 વર્ષથી કોઈપણ ભારતીય વડાપ્રધાને યુક્રેન પ્રવાસે ગયા નથી. વડાપ્રધાન મોદીની અન્ય દેશની મુલાકાતની વાત કરીએ તો તેઓ યુક્રેન ગયા પહેલા 21થી 22 ઓગસ્ટ સુધી પોલેન્ડ જશે. 45 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડ જશે. અગાઉ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ 1979માં યુક્રેનની મુલાકાતે ગયા હતા.
વડાપ્રધાન મોદી યૂક્રેન પહેલા પોલેન્ડ જશે
વડાપ્રધાન મોદી 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડમાં હશે, જ્યાં તેઓ ભારતીય સમુદાયના લોકો અને અહીંના વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત રશિયા-યુક્રેન યુદ્ધમાં કાયમી શાંતિ સ્થાપવા માટે હંમેશા પ્રયાસ કરતું રહ્યું છે. વડાપ્રધાન મોદી એક મહિના પહેલા મોસ્કો ગયા હતા, જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) સાથે મુલાકાત કરી હતી, ત્યારે હવે યુક્રેન યાત્રા જવાના છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ 14 જૂન-2024ના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Ukraine President Volodymyr Zelenskyy) સાથે 50મી G7 સમિટ હેઠળ યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં મુલાકાત કરી હતી.
મોદી-ઝેલેન્સ્કી વચ્ચે થશે મુલાકાત
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Ukraine President Volodymyr Zelenskyy) ના કાર્યાલયે મોદીની યુક્રેન મુલાકાત અંગે સત્તાવાર નિવેદન બહાર પાડી કહ્યું છે કે, ‘આપણા દ્વિપક્ષીય સંબંધોના ઈતિહાસમાં કોઈ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. આ ઉપરાંત યુક્રેન અને ભારત વચ્ચે ઘણા દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવશે.
ભારત-પોલેન્ડ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો
ભારત-પોલેન્ડ લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો અને આર્થિક જોડાણ ધરાવે છે. એપ્રિલ 2009માં ભારતીય રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પોલેન્ડની મુલાકાત લીધી હતી. સપ્ટેમ્બર 2010માં પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક ભારતની મુલાકાતે આવ્યા હતા. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે 2023માં 5.72 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. પોલેન્ડમાં ભારતની મુખ્ય નિકાસમાં ચા, કોફી, મસાલા, કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, મશીનરી અને સાધનો, ઓટો પાર્ટ્સ અને સર્જિકલ વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલેન્ડમાંથી ભારતની આયાતમાં મશીનરી, પ્લાસ્ટિક સામગ્રી, ફેરસ મેટલ્સ, મશીન ટૂલ્સ અને સંરક્ષણ વસ્તુઓનો સમાવેશ થાય છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો ટેક્નોલોજીસ, ઝેન્સાર અને વિડિયોકોન જેવી ભારતીય કંપનીઓ પોલેન્ડમાં પહેલેથી જ કામકાજ ધરાવે છે. ડાયરેક્ટ નોન-સ્ટોપ ફ્લાઈટ્સ પણ 2019 માં શરૂ થઈ હતી.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં CRPFના પેટ્રોલિંગ કરતા કાફલા પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ