50 દેશોના નૌકાદળ આજથી વિશાખાપટ્ટનમમાં કરશે યુદ્ધાભ્યાસ, પહેલીવાર આટલું મોટું આયોજન
image : Twitter |
MILAN-2024: પ્રથમ વખત ભારતીય નૌકાદળ 19 થી 27 ફેબ્રુઆરી દરમિયાન 50 દેશો સાથે નેવી યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. આટલા મોટાપાયે યોજાઈ રહેલા આ યુદ્ધાભ્યાસ 'મિલન-24' માં 18 યુદ્ધ જહાજો અને વિમાનોનો કાફલો જોડાશે જે સમુદ્ર અને બંદર પર સૈન્ય અભ્યાસ કરશે. આ યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ્ય દેશના નૌકાદળના હિતોને સુરક્ષિત રાખવાનો છે. આ સૈન્ય કવાયત એક નવા યુગની શરૂઆત ગણાશે.
58 દેશોને આમંત્રણ અપાયું હતું...
ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે જણાવ્યું હતું કે અત્યાર સુધીના સૌથી મોટા નૌકાદળના યુદ્ધાભ્યાસ માટે 58 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી 50 દેશોએ તેમની ભાગીદારીની પુષ્ટિ કરી હતી. સોમવારથી શરૂ થનારી આ નવ-દિવસીય સૈન્ય કવાયત મિલન-24ની 12મી આવૃત્તિમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પરની વ્યૂહરચના વ્યવહારીક રીતે કડક કરાશે અને સમુદ્રને સુરક્ષિત અને મુક્ત રાખવા માટે પરીક્ષણ કરાશે.
સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ
ઇસ્ટર્ન નેવલ કમાન્ડે X પર પોસ્ટ કરતાં વિયેતનામની નેવીના કોર્વેટ-20 અને અમેરિકન નેવીના USS Halsey (DDG-97)નું સ્વાગત કર્યું છે. બંને દેશોના યુદ્ધ જહાજો વિશાખાપટ્ટનમ પહોંચી ગયા છે. ગાઢ સમુદ્રમાં સુરક્ષા વધારવા માટે મિલન એક સારું પ્લેટફોર્મ સાબિત થશે. આ ક્ષેત્રમાં દરેક પ્રકારની સુરક્ષા વિવિધ દેશોના વિકાસ, વાણિજ્ય અને સમૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.