Get The App

ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં અનેક એન્ટિ-શીપ મિસાઈલોનું કર્યું પરીક્ષણ, જુઓ VIDEO

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં અનેક એન્ટિ-શીપ મિસાઈલોનું કર્યું પરીક્ષણ, જુઓ VIDEO 1 - image


Indian Navy Anti Ship Missile Tasting : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતનો પાકિસ્તાન સાથે તણાવ વધ્યો છે. બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થવાની ચોતરફ ચર્ચાઓ ચાલી રહી છે. આતંકી હુમલા બાદ ભારતે આક્રમક વલણ અપનાવ્યું છે, તો પાકિસ્તાને પણ તેની સેનાને એલર્ટ કરી દીધી છે. આ જ ક્રમમાં ભારતીય નૌકાદળે પણ દૂર સુધી નિશાન સાધી શકે તેવી મિસાઈલો, પ્લેટફોર્મ અને વેપન સિસ્ટમનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ જ ક્રમમાં નૌકાદળે ગઈકાલે એન્ટી-શિપ ફાયરિંગનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું.

ભારતીય નૌકાદળે વીડિયો શેર કર્યા 

ભારતીય નૌકાદળે યુદ્ધની તૈયારીઓ અંગે સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, જહાજોથી મિસાઈલો ઝીંકી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આના એક દિવસ પહેલા યુદ્ધ જહાજોની તસવીર શેર કરવામાં આવી હતી, જેમાં લખાયું હતું કે, ‘ભારતીય નૌકાદળ દરિયાઈ હિતોની સુરક્ષા કરવા માટે કોઈપણ સમયે, કોઈપણ સ્થળે અને કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે.’ ભારતીય નૌકાદળની આ પોસ્ટે દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે.

ટેન્શનમાં આવેલા પાકિસ્તાને પોતાની સેનાને એલર્ટ કરી

બીજીતરફ ભારતીય નૌકાદળની સંભવિત કાર્યવાહીને જોતા પાકિસ્તાન ફફડી ગયું છે. ટેન્શનમાં આવેલા પાકિસ્તાને પોતાની નૌકાદળને અરબી સમુદ્રમાં એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. આ પહેલા અરબી સમુદ્રની ઉપર નો-ફ્લાઈ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લાઈવ-ફાયર એલર્ટ જારી કરી કોઈપણ ખલાસીઓને આ ઝોનથી દુર રહેવાનો આદેશ અપાયો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રિપોર્ટ સામે આવ્યો છે કે, પાકિસ્તાન વધુ એક નવી મિસાઈલના પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે.

ભારતીય સેનાએ અગાઉ યુદ્ધ જહાજથી મિસાઈલનું કર્યું હતું પરીક્ષણ

આ પહેલા 24 એપ્રિલે ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ INS સૂરત દ્વારા અરબી સમુદ્ર પર ઝડપથી ઉડતા ટાર્ગેટ પર  MR-SAM મિસાઈલ સિસ્ટમ વડે સચોટ રીતે નિશાન સાધી અને તેને નષ્ટ કરી દુશ્મન દેશને તાકાત બતાવી દીધી છે. MR-SAM સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો અને અન્ય હવાઈ લક્ષ્યો સામે ખૂબ અસરકારક છે. આ પરીક્ષણ બાદ ભારતીય નૌસેનાએ X પર લખ્યું, 'ભારતીય નૌસેનાના નવીનતમ સ્વદેશી માર્ગદર્શિત મિસાઇલ વિનાશક INS સુરતે સમુદ્રમાં લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યું, જે આપણી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.'

પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ પહલગામમાં 26 લોકોની કરી હતી હત્યા

પાકિસ્તાને પોતાની નૌકાદળને ચેતવણી જારી કરવાની કાર્યવાહી તેની ચિંતા દર્શાવે છે અને ભારત તરફથી સંભવિત બદલો લેવા સામે સાવચેતીના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. 22 એપ્રિલના રોજ કાશ્મીરના બૈસરન ખીણમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 26 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 2019ના પુલવામા વિસ્ફોટ પછી તેને પ્રદેશના સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંના એક તરીકે જોવામાં આવ્યું હતું. ભારતે આ હુમલામાં સામેલ આતંકવાદીઓ, કાવતરાખોરો અને તેમના આકાઓને ઝડપી પાડવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે.

Tags :