ભારતીય નેવીએ ક્રૂડ ઓઈલ ટેન્કરને હુથીના હુમલાથી બચાવ્યું

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
ભારતીય નેવીએ ક્રૂડ ઓઈલ ટેન્કરને હુથીના હુમલાથી બચાવ્યું 1 - image


Image: Twitter

Indian Navy: ભારતીય નેવીએ હુથી આતંકવાદીઓના મિસાઈલ હુમલાનો ભોગ બનેલા પનામાનો ધ્વજ ધરાવતા અને સેશેલ્સ સંચાલિત ક્રૂડ ઓઈલ ટેન્કરને બચાવી લીધું હતું. ટેન્કરમાં 22 ભારતીયો સહિત 30 ક્રુ મેમ્બરો હતા. મિસાઈલ હુમલો થયા પછી ભારતીય નૌકાદળનું આઈએનએસ કોચી તાત્કાલિક મદદે પહોંચ્યું હતું અને તમામ ક્રુ સભ્યોએ સુરક્ષિત કર્યા હતા. મિસાઈલથી જહાજને મામુલી નુકસાન થયું હતું. સુરક્ષિત જણાયા પછી જહાજ નજીકના બંદર તરફ આગળ વધ્યું હતું.

22 ભારતીયો સહિત 30 ક્રુ સભ્યો સલામત, પનામાનો ધ્વજ ધરાવતા જહાજ પર ત્રણ મિસાઈલ છોડાયા હતા

ઈરાન સમર્થિત હુથી આતંકીઓએ રાતા સમુદ્ર નજીક મરચન્ટ જહાજ માઈશા અને એમવી એન્ડ્રોમેડા સ્ટાર પર ત્રણ જહાજ વિરોધી મિસાઈલ દાગ્યા હતા જેના કારણે જહાજને નજીવું નુકસાન થયું હતું.

ભારતીય નૌકાદળે 26 એપ્રિલે પનામા-ધ્વજવાળા ક્રૂડ ઓઈલ ટેન્કર એમવી એન્ડ્રોમેડા સ્ટાર પરના હુમલાને સંડોવતી દરિયાઈ સુરક્ષાની ઘટનાનો જવાબ આપવા માટે આઈએનએસ કોચીને તૈનાત કરી હતી તેમજ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા હેલિકોપ્ટર દ્વારા રેકી કરવામાં આવી હતી. 

જોખમના મૂલ્યાંકન માટે નેવીની એક્સપ્લોઝીવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. નેવીએ આપેલી જાણકારી મુજબ 22 ભારતીય સહિત ક્રુના 30 સભ્યો સુરક્ષિત હતા અને જહાજ તેના નિર્ધારિત ગંતવ્ય સ્થાન તરફ આગળ વધ્યું હતું. 

ભારતીય નેવીની તાત્કાલિક કાર્યવાહી આ વિસ્તારમાં પ્રવાસ કરતા જહાજોની સુરક્ષા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

તાજેતરની ઘટના રાતા સમુદ્રમાં હુથી આતંકીઓ દ્વારા વિવિધ વેપારી જહાજો પર થતા હુમલા બાબતે વ્યક્ત થઈ રહેલી ચિંતા વચ્ચે બની છે. છેલ્લા થોડા અઠવાડિયામાં ભારતીય નેવીએ પશ્ચિમી હિન્દ મહાસાગરમાં અનેક વેપારી જહાજોને તેમના પરના હુમલાથી રક્ષણ પુરુ પાડ્યું હતું. 


Google NewsGoogle News