ભારતીય નૌકાદળની વધશે તાકાત : મિસાઈલ અને દારૂગોળોથી સજ્જ આ બોટ થઈ સામેલ
આ બોટ ઓછામાં ઓછા 30 વર્ષ સુધી કાર્યરત રહેશે
Indian Navy gets Barge Boats equipped with missiles : ભારતીય નૌકાદળના કાફલામાં મિસાઈલ અને દારૂગોળોથી સજ્જ વધુ એક સ્વદેશી બોટ જોડાઈ છે. આ બોટ 'મિસાઇલ કમ એમ્યુનિશન બાર્જ, LSAM 9 (યાર્ડ 77) તરીકે જાણીતી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આનાથી દરિયાકાંઠે અને બાહ્ય બંદરો પર ભારતીય જહાજોને દારૂગોળો જેવા માલસામાનની સપ્લાય પણ સુનિશ્ચિત થશે. આ LSAM 9 નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે INS તુનીરમાં કાર્યરત કરવામાં આવ્યું હતું.
ઓછામાં ઓછા 30 વર્ષ સુધી કાર્યરત રહેશે
આ બાર્જ 8 મિસાઈલ તેમજ દારૂગોળો લઈ જઈ શકે છે. તેનું નિર્માણ વિશાખાપટ્ટનમની ખાનગી કંપની મેસર્સ સેકન એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આ બાર્જ ઓછામાં ઓછા 30 વર્ષ સુધી નેવી માટે કામ કરશે. આ બાર્જ બોટની હાજરી પરિવહન, આવશ્યક ચીજવસ્તુઓની અવરજવર અને લોડિંગ અને અનલોડિંગની સુવિધાઓ પૂરી પાડીને ભારતીય નૌકાદળની કાર્યકારી પ્રવૃત્તિઓને વેગ આપશે.
આ બાર્જ બોટ સંપૂર્ણ સ્વેદેશ નિર્મિત છે
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આ બાર્જ બોટ ભારત સરકારની "મેક ઇન ઇન્ડિયા" પહેલનું ગૌરવપૂર્ણ ધ્વજવાહક છે. આ આધુનિક બોટને ગઈકાલે નૌકાદળને સોંપવામાં આવી હતી. સમારોહની અધ્યક્ષતા કમાન્ડર આશિષ સહગલ, કમાન્ડ રિફિટ ઓફિસર, વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા કરવામાં આવી હતી.