દેશનું પહેલું સ્વદેશી ડ્રોન તૈયાર, નૌસેનાની વધશે તાકાત, ગમે તે ઋતુમાં ઉડાન ભરવા સક્ષમ
Drishti 10 Starliner Drone: ભારતીય નૌસેનાના વડા એડમિરલ આર.હરિકુમારે હૈદરાબાદમાં દૃષ્ટિ 10 સ્ટારલાઈનર ડ્રોન (Drishti 10 Starliner Drone) નું અનાવરણ કર્યું હતું. આ માનવરહિત ડ્રોન (UAV)ને નૌસેનામાં સામેલ કરાશે. દૃષ્ટિ 10 સ્ટારલાઈનર ડ્રોન અત્યાધુનિક UAV યુદ્ધમાં અનુકૂળ આવે તેવું અને સ્વદેશી એડવાન્સ્ડ એરિયલ ટેક્નિકથી સજ્જ છે.
ડ્રોનની વિશેષતા પર કરો એક નજર...
આ ડ્રોન 36 કલાક એન્ડ્યોરેન્સ, 450 કિલોગ્રામ પેલોડ ક્ષમતા ધરાવતું ઈન્ટેલિજન્સ અને સર્વેઇલન્સ (ISR) પ્લેટફોર્મ છે. આ એકમાત્ર સૈન્ય પ્લેટફોર્મ છે જે તમામ ઋતુમાં બંને હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરી શકે છે. કંપનીએ કહ્યું છે કે નૌસેનાના સમુદ્ર અભિયાનોમાં સામેલ થવા માટે આ ડ્રોન હૈદરાબાદથી પોરબંદર સુધી ઉડાન ભરશે. ભારતમાં સંપૂર્ણપણે સ્વદેશી રીતે તૈયાર કરાયેલું દૃષ્ટિ 10 સ્ટારલાઇનરને નૌસેનાનું સોંપી દેવાયું છે. તે દેશમાં બનાવાયેલું પહેલું યુએવી દૃષ્ટિ 10 સ્ટારલાઈનર છે.
નૌસેનાને મળશે એડવાન્સ્ડ દૃષ્ટિ 10 સ્ટારલાઈનર ડ્રોન
આ પ્રસંગે એડમિરલ આર. હરિકુમારે કહ્યું કે ‘આ એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ છે. આ આઈએસઆર ટેક્નોલોજી અને સમુદ્રી વર્ચસ્વમાં આત્મનિર્ભરતાની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. આપણા નૌસેના અભિયાનોમાં દૃષ્ટિ 10 સામેલ થવાથી આપણા નૌસૈનિકોની ક્ષમતા વધશે અને સતત બદલાતા સમુદ્રી પેટ્રોલિંગ અને સર્વેઇલન્સ સિસ્ટમમાં આપણી તૈયારી વધુ મજબૂત થશે.’