પડોશી દેશોમાં હિન્દુઓ પર હુમલા વધ્યા, બાંગ્લાદેશમાં 2200 કેસ તો પાકિસ્તાનમાં 112 કેસ નોંધાયા, જુઓ ત્રણ વર્ષનો ડેટા
Violence Case Against Hindus In Bangladesh-Pakistan : બાંગ્લાદેશમાં સત્તા પલ્ટો થયા બાદ હિન્દુઓ પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યાં અવારનવાર હિન્દુઓ અને મંદિરો પર હુમલો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સરકાર સહિત ભારતીયો પણ ચિંતિત છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, પાકિસ્તાનમાં બે વર્ષ બાદ હિન્દુઓ પર થતાં હુમલાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ડેટા મુજબ 2022ની તુલનાએ 2024માં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની ઘટના 400 ટકા વધી છે, જ્યારે પાકિસ્તાનમાં 100 ટકા જેટલી ઘટી છે.
બાંગ્લાદેશમાં 2024માં હિન્દુઓ પર 2200 હુમલા થયા
વિદેશ મંત્રાલયે આજે રાજ્યસભામાં ડેટા રજૂ કરી ખુલાસો કર્યો છે કે, ‘બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનું પતન થયા બાદ ત્યાં વર્ષ 2024માં હિન્દુઓ પર હુમલાના 2200 કેસ નોંધાયા છે.’ મંત્રાલયે કહ્યું કે, ‘અમે બાંગ્લાદેશ અને પાકિસ્તાનને પત્ર લખ્યો છે, જેમાં તેમની સંબંધી સરકારોને હિન્દુઓની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા કહ્યું છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર ગંભીર
મંત્રાલયે એમ પણ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિને ગંભીરતાથી લીધી છે. સરકારે બાંગ્લાદેશની સરકાર સાથે પોતાની ચિંતાઓ શેર કરી છે. ભારતને આશા છે કે, બાંગ્લાદેશની સરકાર હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં ભરશે.
બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ વર્ષમાં હિન્દુઓ પર કેટલા હુમલા થયા, જુઓ ડેટા
વિદેશ મંત્રાલયના ડેટા મુજબ, બાંગ્લાદેશમાં 2022માં હિન્દુઓ વિરુદ્ધ હિંસાની 47 ઘટના નોંધાઈ હતી. જ્યારે 2023માં 302 અને 2024(8 ડિસેમ્બર-2024 સુઘી)માં 400થી વધુ ટકા વધીને 2200 ઘટનાઓ નોંધાઈ છે. પાકિસ્તાનમાં 2022માં હિન્દુઓ વિરુદ્ધ અત્યાચારના 241 કેસ નોંધાયા હતા, જ્યારે 2023માં 103 અને 2024(ઑક્ટોબર સુધી)માં 112 કેસ નોંધાયા છે. સરકારે એવું પણ કહ્યું છે કે, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સિવાય કોઈપણ પડોશી દેશમાં હિન્દુઓ વિરુદ્ધની હિંસાના કેસ નોંધાયા નથી. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લઘુમતી અને માનવાધિકાર સંગઠનોના ડેટાને ટાંકીને રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.