બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારા જતા અટકાવાયા, ભારતે ઉઠાવ્યા સવાલ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારા જતા અટકાવાયા, ભારતે ઉઠાવ્યા સવાલ 1 - image

image: twitter

- આ મુદ્દો બ્રિટિશ વિદેશ મંત્રાલય અને પોલીસ સામે ઉઠાવવામાં આવ્યો છે

નવી દિલ્હી. તા. 30 સપ્ટેમ્બર 2023, શનિવાર

સ્કોટલેન્ડમાં એક ગુરુદ્વારામાં લોકો સાથે મુલાકાત કરવા પહોંચેલા ભારતીય હાઈ કમિશનરને ધાર્મિક સ્થળની અંદર જતા અટકાવવામાં આવ્યા હતા. યુકેના સ્કોટલેન્ડમાં આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ભારત-કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સમગ્ર દેશમાં આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે. બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ પણ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. 

ગુરુદ્વારામાં ભારતીય હાઈ કમિશનર સાથે ગેરવર્તણૂકનો મુદ્દો બ્રિટન સામે ઉઠાવવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, બ્રિટનમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને કેટલાક ચરમપંથીઓએ ગ્લાસગોના ગુરુદ્વારામાં જતા અટકાવ્યા હતા. તેમની સાથે દલીલ કરવાને બદલે ભારતીય હાઈ કમિશનરે ત્યાંથી જવાનું યોગ્ય માન્યું. અને તેઓ ત્યાંથી જતા રહ્યા. આ મુદ્દો બ્રિટિશ વિદેશ મંત્રાલય અને પોલીસ સામે ઉઠાવવામાં આવ્યો છે.

આ મુદ્દે સિરસાએ કહ્યું કે, કોઈ પણ ધર્મ અથવા સમુદાયનો વ્યક્તિ ગુરુદ્વારામાં પ્રવેશ કરી શકે છે. આપણો ધર્મ હિંસા કરવાનું નથી શીખવાડતો પરંતુ આપણે એ લોકો છીએ જે માનવતાની રક્ષા કરીએ છીએ. તેમણે કહ્યું કે, ભારતીય હાઈ કમિશનર સાથે સ્કોટલેન્ડમાં જે થયું તેની હું સખત શબ્દોમાં નિંદા કરું છું. ગુરુદ્વારા પરમાત્માનું ધર છે. અહીં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરી શકાય. આ જ કારણ છે કે, અહીં 4 દરવાજા હોય છે. 

શીખોને બદનામ કરવાનો પ્રયત્ન: સિરસા

બીજેપી નેતાએ આગળ કહ્યું કે, એવું લાગે છે કે આ લોકો આ વાત સમજતા નથી અથવા તો શીખોને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ કામ અમુક લોકો દ્વારા જ થઈ રહ્યું છે. તેઓ એ વાત સમજી નથી રહ્યા કે, એક રીતે તેઓ આપણી પેઢીઓને બદનામ કરી રહ્યા છે. ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ગુરુદ્વારામાં પ્રવેશતા રોકવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં યુવકો તેમને કારમાં બેસાડતા નજર આવી રહ્યા છે. 

ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારામાં જતા અટકાવ્યા

ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી ગ્લાસગો ગુરુદ્વારાની કમિટી સાથે મીટિંગ માટે પહોંચ્યા હતા. પરંતુ અહીં તેમને કટ્ટરવાદી શીખ કાર્યકરોનો સામનો કરવો પડ્યો હતો. તેમને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન એક ખાલિસ્તાન સમર્થક વ્યક્તિએ કહ્યું કે, મને નથી લાગતું કે ગુરુદ્વારા કમિટી જે કંઈ પણ થયું તેનાથી બહુ ખુશ છે. પરંતુ યુકેના કોઈપણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત કરવામાં નહીં આવશે.



Google NewsGoogle News