ચીનમાં ફેલાયેલા નવા વાઇરસથી ભારત સરકાર એલર્ટ, બેઠક બોલાવી, WHO પાસે માગ્યો રિપોર્ટ
HMPV Virus: ચીનમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાઈ રહેલા નવા વાઇરસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ મુદ્દે બેઠક બોલાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવાયું છે કે, ચીનની સ્થિતિ પર ઊંડાણપૂર્વક નજર રાખી રહ્યા છીએ. આ સિવાય WHO પાસે આ વાઇરસની સ્થિતિ પર સચોટ માહિતી આપવાની અપીલ કરાઈ છે.
એજન્સીના રિપોર્ટ અનુસાર, મંત્રાલયે કહ્યું કે, ભારતીય સ્વાસ્થ્ય સેવા કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે પૂર્ણ રીતે તૈયાર છે. ભારતમાં એવા કેસોમાં કોઈ વધારો જોવા નથી મળ્યો.
સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે નિવેદન જાહેર કરીને લોકોને હ્યૂમન મેટાન્યૂમો વાઇરસને લઈને માહિતી આપી. મંત્રાલયે કહ્યું કે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેન્દ્ર સરકાર આ મામલે સંપૂર્ણ રીતે નજર રાખી રહી છે. આ હવામાનમાં એવા કેસોમાં વધારો જોવા મળે છે. જ્યાં સુધી ચીનની વાત છે તો ત્યાંની સ્થિતિ પણ ચિંતાજનક નથી.
આ પણ વાંચો: HMPV વાઇરસને ચીને ગણાવ્યો શરદીની બીમારી, ભારતે કહ્યું- 'ચિંતાની કોઈ વાત નથી'
મંત્રાલયે કહ્યું કે, આ વાઇરસને લઈને આવેલા રિપોર્ટ્સ એ જણાવે છે કે, હાલના સમયમાં જે તેના કેસોમાં વધારો જોવા મળ્યો છે તે મુખ્યરીતે ઇન્ફ્લૂએન્જા વાઇરસ, આએસવી અને એચએમપીવી છે. જે સામાન્ય રોગ છે અને શિયાળામાં અસર બતાવે છે.
આ પહેલા સ્વાસ્થ્ય સેવા મહાનિદેશક ડૉ. અતુલ ગોયલે લોકોને આશ્વાસન આપ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને લઈને ચિંતા કરવા જેવું કંઈ નથી અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી.
શું છે આ નવો વાઇરસ?
માહિતી અનુસાર, આ વાઇરસના લક્ષણ પણ કોરોના જેવા જ છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ(HMPV) છે જે એક RNA વાઇરસ છે. જે પણ વ્યક્તિ આ વાઇરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરોના જેવા જ લક્ષણ દેખાય છે. આ વાઇસરની લપેટમાં સૌથી વધુ બાળકો જ આવી રહ્યા છે. એમાંય 2 વર્ષની નાની વયના બાળકો સૌથી વધુ પીડિત બની રહ્યા છે.
આ પણ વાંચો: ચીનમાં કોરોના જેવો વાઇરસ ફેલાયો : હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ હોવાનો દાવો
કેવા લક્ષણો જોવા મળે છે?
ચીનના રોગ નિયંત્રણ તથા રોકથામ કેન્દ્ર (CDC) ના અહેવાલ અનુસાર તેના લક્ષણોમાં ખાંસી, તાવ, નાક બંધ થવી અને ગળામાં ખરાશ વગેરે થાય છે. HMPV ઉપરાંત ઈન્ફ્યૂએન્ઝા એ, માઈક્રોપ્લાઝમા, ન્યૂમોનિયા અને કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે. જેમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે.