ભારત સરકારે Elon Muskની આશાઓ પર પાણી ફેરવ્યું! PM મોદી સાથેની મુલાકાત પણ કામ ન લાગી?
ભારત સરકારની ચોખ્ખી વાત- કોઈપણ કંપની કે બિઝનેસ માટે વિશેષ પ્રોત્સાહન નહીં
એક અધિકારીએ કહ્યું જે કંપનીઓ તેમનો સંપૂર્ણ બિઝનેસ ભારત લાવશે તેને જ પ્રોત્સાહન આપવા પર વિચાર
Elon Musk News | દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક (Elon Musk) ભારતમાં તેમનો બિઝનેસ ફેલાવવા માટે કારખાનું બનાવવા માગે છે. જેના માટે તેમણે ભારત સરકાર (Indian Government) પાસેથી વિશેષ છૂટની માગ કરી હતી. આ અંગે મંત્રાલયમાં ચર્ચા પણ થઈ હતી પણ એક અધિકારીનું કહેવું છે કે હાલ અમેરિકી ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા (Tesla) માટે કોઈ ઈન્સેન્ટિવ નહીં અપાય. જો ઈન્સેન્ટિવ અપાશે તો પણ આ એ જ કંપનીઓએ આપવામાં આવશે જે તેમનો સંપૂર્ણ બિઝનેસ ભારત લઈને આવવા માગે છે.
અધિકારીએ જણાવી મોટી શરત
અહેવાલ અનુસાર એક સિનિયર અધિકારીએ કહ્યું કે ભારત ક્યારેય ઈલેક્ટ્રિક વ્હિકલ (Electric Vehicle) ક્ષેત્રમાં કોઈપણ કંપની કે બિઝનેસ માટે વિશેષ પ્રોત્સાહન નહીં આપે. જો સરકાર પ્રોત્સાહન આપવા અંગે વિચારશે તો પણ એ ફક્ત એ જ EV કંપનીઓએ પ્રોત્સાહન આપશે જે તેમનો સંપૂર્ણ બિઝનેસ ભારત લાવવા માગે છે.
શું છે મામલો?
અધિકારીએ કહ્યું કે અમેરિકાની ટેસ્લા કંપનીએ ઈમ્પોર્ટ ડ્યુટીમાં રાહતની માગ કરી હતી. જેની ચર્ચા ફક્ત મંત્રાલયમાં જ થઈ હતી પણ ક્યારેય ઈન્સેન્ટિવ આપવા અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો. 2021માં ટેસ્લાના CEO અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ પર ઇમ્પોર્ટ ડ્યુટીમાં રાહતની માગ કરી હતી.
પીએમ મોદી સાથે પણ કરી હતી મુલાકાત
ઉલ્લેખનીય છે કે ટેસ્લાના માલિક ઈલોન મસ્કે જૂનમાં જ ન્યુયોર્કમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે અમે 2024માં ભારત આવવાની યોજના બનાવી રહ્યા છીએ. જ્યારે ઉદ્યોગમંત્રી પીયૂષ યોગલ સાથે તેમણે કેલિફોર્નિયાના ફ્રેમોંટમાં પણ મુલાકાત કરી હતી. જોકે આ મુલાકાતો પણ કદાચ તેમને કામ ન લાગી હોય તેવું દેખાઈ રહ્યું છે.