Get The App

ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડનો દંડ: ટેક્સ બચાવવા કસ્ટમને ખોટી માહિતી આપ્યાનો આરોપ

Updated: Mar 25th, 2025


Google News
Google News
ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડનો દંડ: ટેક્સ બચાવવા કસ્ટમને ખોટી માહિતી આપ્યાનો આરોપ 1 - image


Indian Government Fines Samsung: ભારત દ્વારા સેમસંગ ઇન્ડિયાને હાલમાં જ 601 મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે 5156 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયાની કંપની દ્વારા ટેલિકોમ ઇક્વિપમેન્ટના ઇમ્પોર્ટમાં ગરબડો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. છેલ્લા થોડા વર્ષમાં આ સૌથી મોટી ટેક્સની માગ કરવામાં આવી છે. ભારત દ્વારા આ જે દંડ કરવામાં આવ્યો છે, જેના પરથી સંકેત મળે છે કે ભારત સરકારની વિદેશી કંપનીઓના કાવાદાવા પર બાજનજર છે.

સેમસંગે આપી ખોટી માહિતી

સરકારને ટેક્સ ઑથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે સેમસંગ દ્વારા તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. 4G ટેલિકોમ સિસ્ટમ માટે સૌથી મહત્ત્વનો પાર્ટ રીમોટ રેડિયો હેડને સેમસંગ દ્વારા કોરિયા અને વિએતનામમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો. આ પાર્ટને મોબાઇલ ટાવર પર લગાવવામાં આવે છે, જે સિગ્નલને ટ્રાન્સમિટ કરવામાં મદદ કરે છે. એના પર સરકાર દ્વારા 10થી 20 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો. જોકે સેમસંગ દ્વારા 2018થી લઈને 2021 સુધી આ માટે એક પણ ડ્યુટી ભરવામાં નથી આવી.

સેમસંગ દ્વારા આ પાર્ટ્સને મુકેશ અંબાણીના જિયોને સપ્લાઇ કરવામાં આવે છે. આ માટે ઇનવેસ્ટિગેશન કરવામાં આવ્યું અને એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સેમસંગ દ્વારા જાણીજોઈને કસ્ટમને ખોટા ડૉક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા જેથી તેઓ આ ટેક્સથી બચી શકે. કસ્ટમ્સ કમિશ્નર સોનલ બજાજે કહ્યું કે ‘સેમસંગ દ્વારા ભારતના કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. તેમના કારણે બિઝનેસના એથિક્સ અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની રીત પર પણ સવાલો કરવામાં આવી રહ્યા છે. સરકાર સાથે ફ્રોડ કરીને કેવી રીતે વધુ પ્રોફિટ મેળવી શકાય એના પર આ કંપનીઓ ફોકસ કરી રહ્યા છે.’

5156 કરોડનો દંડ કેમ?

ટેક્સ ન ભરવા અને એના પર સો ટકા પેનલ્ટી લગાવતાં સેમસંગે એ માટે 4461 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. સેમસંગ ઇન્ડિયાના સાત એક્ઝિક્યુટિવ પર 695 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ બે રકમ મળીને 5156 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. 

ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડનો દંડ: ટેક્સ બચાવવા કસ્ટમને ખોટી માહિતી આપ્યાનો આરોપ 2 - image

કોને કોને કરવામાં આવ્યો દંડ?

  • નેટવર્ક ડિવિઝનના વાઇસ પ્રેસિડન્ટ સુંગ બીમ હોંગ
  • ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર ડોંગ વોન ચું
  • ફાઇનાન્સની જનરલ મેનેજર શીતલ જૈન
  • ઇનડાયરેક્ટ ટેક્સના જનરલ મેનેજર નિખિલ અગ્રવાલ સહિત અન્ય ત્રણ વ્યક્તિને દંડ કરાયો છે.

શું કહ્યું સેમસંગે?

સેમસંગ દ્વારા કંઈ પણ ખોટું ન કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું છે કે કસ્ટમના ક્લાસિફિકેશનમાં કોઈ ગેરસમજ થઈ હોવાને કારણે આ થયું છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમણે ભારતીય કાયદાનો અમલ કર્યો છે અને પોતાના હકને જાળવી રાખવા માટે કયા કાયદાકીય પગલાં લઈ શકાય એ વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. સેમસંગ દ્વારા એ પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે કસ્ટમના કર્મચારીઓને આ વિશે વર્ષોથી માહિતી છે.

આ પણ વાંચો: 6G શું છે અને ચીન કેમ એમાં વધુ રસ લઈ રહ્યું છે?

દરેક કંપની પર પડશે અસર

સેમસંગ સાથે જે થયું તેની અસર હવે દરેક વિદેશી કંપનીઓ પર પડી શકે છે. સરકાર હવે દરેક કંપની કેવી રીતે કામ કરે છે એ વધુ આકરી રીતે તપાસ કરશે. અગાઉ પણ ફોક્સવેગન સાથે આ પ્રકારનો કેસ થયો હતો. કારમાં પાર્ટ્સ વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી, જે બદલ 1.4 બિલિયન અમેરિકન ડૉલરનો દંડ ફટકારાયો હતો. આ કેસ હજી પણ ચાલી રહ્યો છે. સેમસંગ સાથેનો આ કેસને લઈને હવે ભારતમાં રોકાણ કરનારા બે વાર વિચારશે કારણ કે, ભારત હવે દરેક કાયદાનું પાલન કરવામાં આવે છે કે નહીં એ માટે કડક છે. 

ક્યારે થઈ હતી શરુઆત?

સેમસંગના આ કેસની શરુઆત 2021માં થઈ હતી. ટેક્સ ઇન્સ્પેક્ટર દ્વારા મુંબઈ અને ગુરુગ્રામની ઑફિસ પર રેડ પાડવામાં આવી હતી. ડૉક્યુમેન્ટ્સ, ઈમેલ્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇઝને સીઝ કરી દેવામાં આવ્યા હતા. ટોચના એક્સિક્યુટીવને સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. 2025ની આઠ જાન્યુઆરીએ સેમસંગ વિરુદ્ધ ઓર્ડર કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સાઇબરક્રાઇમ સામે માઇક્રોસોફ્ટની ઝુંબેશ, યુઝર્સની સુરક્ષા માટે નવી AI સિસ્ટમ બનાવી

સેમસંગ પર એની અસર

સેમસંગે ગયા વર્ષે ભારતમાં 8194 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ મેળવ્યો હતો. સરકાર દ્વારા 5156 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જો સેમસંગ એ ચૂકવી દે તો કંપની પર નાણાકીય રીતે ખૂબ જ ઊંડી અસર પડી શકે છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગ ખૂબ જ મોટું નામ છે. આ કંપનીને જો નાણાકીય તકલીફ પડી તો એ કંપની માટે પણ ખૂબ જ મોટી સમસ્યા ઊભી કરી શકે છે.

Tags :