ભારત સરકારે 16 પાકિસ્તાની યુટયુબ ચેનલોને બ્લોક કરી
- કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણ પર કાર્યવાહી
- શોએબ અખ્તર, પત્રકાર અસમા શિરાજી સહિત પાકિસ્તાની સમાચાર ચેનલો સામેલ
નવી દિલ્હી : પહલગામ આતંકી હુમલા બાદ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી ફેલાવવા બદલ ભારત સરકારે ૧૬ પાકિસ્તાની યુટયુબ ચેનલોને બ્લોક કરી દીધી છે. આ ચેનલોના કુલ ૬.૩ કરોડ સબ્સ્ક્રાઈબર્સ હતા. આ કાર્યવાહી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણ પર કરવામાં આવી હતી.
બ્લોક કરવામાં આવેલી ચેનલોમાં પાકિસ્તાની સમાચાર ચેનલ ડોન, સામા ટીવી, એરી ટીવી, બોલ ન્યુઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યુઝ સામેલ છે. આ સાથે જ પાકિસ્તાની પત્રકારો ઈર્શાદ ભટ્ટી, અસમા શિરાજી, ઉમર ચીમા અને મુનીબ ફારુકની યુટયુબ ચેનલો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સરકારે જણાવ્યું કે, યુટયુબ ચેનલ ભારત, ભારતીય આર્મી અને સુરક્ષા એજન્સીઓ વિરૂદ્ધ ખોટી ખબરો ફેલાવીને ભ્રામક પ્રચાર કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે, પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત બન્યા છે. આ હુમલામાં ૨૫ પર્યટકો અને એક કાશ્મીરી નાગરિકની હત્યા કરવામાં આવી હતી.
ભારત સામે ઝેર ઓકતા પાકિસ્તાનના ટીવી પેનલિસ્ટ પર પણ પ્રતિબંધ મૂકવા માગ
પાકિસ્તાનના ઘણાં પેનલિસ્ટ ભારતની અમુક ટીવી ડિબેટમાં ભાગ લેતા હોય છે.
વીડિયો લિંકની સુવિધા મળી ત્યારથી પાકિસ્તાનમાં બેસીને ભારતની ટીવી ચેનલોની ડિબેટમાં ભાગ લેતા આવા પેનલિસ્ટ ભારત વિરૂદ્ધ ઝેર આકતા હોય છે. ઘણી ચેનલો ટીઆરપી વધારવાના ચક્કરમાં આવા પેનલિસ્ટને કાર્યક્રમમાં જોડીને સનસનાટી મચે તેવા પ્રયાસો કરે છે. ભારત વિરૂદ્ધ ઝેર ઓકતા આવા પેનલિસ્ટ સામેય યુટયૂબર્સની જેમ કાર્યવાહી થવી જોઈએ એવી માગણી સોશિયલ મીડિયામાં ઉઠી હતી.