ટ્રમ્પના US ફંડિંગના દાવા પર ભારત સરકારનું પ્રથમ નિવેદન, કહ્યું- વિદેશી હસ્તક્ષેપ અંગે અમે ચિંતિત
Image: IANS, FILE PHOTO |
Trump Statements On USAID Raised Tension: કેન્દ્ર સરકારે શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે, યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડૅવલપમેન્ટ(યુએસએઆઇડી)એ 'ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના' ઇઈરાદાથી ભારતને 21 મિલિયન ડૉલરનું ફંડ ફાળવ્યું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ટીપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી કે, 'અમે અમેરિકાની કેટલીક પ્રવૃત્તિઓ અને ફંડ અંગે અમેરિકી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીને ધ્યાનમાં લીધી છે. તેમનું નિવેદન સ્પષ્ટપણે ખૂબ જ અયોગ્ય છે. આનાથી ભારતના આંતરિક મામલામાં વિદેશી હસ્તક્ષેપ અંગે ચિંતાઓ વધી છે. સંબંધિત વિભાગો અને એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. આ અંગે જાહેરમાં હાલ કોઈ પ્રતિક્રિયા આપવી અયોગ્ય છે. અમે તપાસ કરી રહ્યા છીએ.'
સરકારે તપાસ હાથ ધરી
તેમણે વધુમાં કહ્યું કે 'સરકાર આ મામલે સક્રિયપણે તપાસ કરી રહી છે. સંબંધિત વિભાગો અને એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. તપાસ વિના આ અંગે જાહેરમાં હાલ કોઈ પ્રતિક્રિયા આપવી અયોગ્ય છે. અમે ઝડપથી આ મામલે સ્પષ્ટતા રજૂ કરીશું.'
આ પણ વાંચોઃ FBIના નવા ડાયરેક્ટર કાશ પટેલને વ્હાઇટ હાઉસે બોલિવુડ સ્ટાઈલમાં આપી શુભકામના, જુઓ VIDEO
ટ્રમ્પે શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે મિયામીમાં એક ભાષણ આપતાં કહ્યું કે, 'ભારત માટે યુએસએઆઇડી ફંડ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાઇડેન પ્રશાસને આ ફંડની ભારતમાં 2024ની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતમાં મતદાન વધારવા માટે અમેરિકાએ શા માટે 21 મિલિયન ડૉલર આપવાની જરૂર પડી. મને લાગે છે કે, તે અન્ય કોઈની સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. '
ફંડ બાંગ્લાદેશને મળ્યું હોવાનો દાવો
એક મીડિયા રિપોર્ટમાં અમેરિકા દ્વારા યુએસએઆઇડી હેઠળ ફાળવવામાં આવેલું 21 મિલિયન ડૉલરનું ફંડ ભારતને નહીં પરંતુ બાંગ્લાદેશને મળ્યું હોવાનો દાવો કરાયો છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાને સરકારને પાડી નાખવા તેમજ યુનુસને રાજગાદી સોંપવા આ ફંડનો ઉપયોગ કરાયો હોવાના અહેવાલો મળ્યા છે.