ભારતીય અર્થતંત્ર 2014ના પડકારો પાર કરી આગળ નીકળ્યું: નાણામંત્રી
- નાણામંત્રી સીતારામને મોદી સરકારની એક દાયકાની સિદ્ધિઓ વર્ણવી
- દેશ આગામી ત્રણ વર્ષમાં પાંચ લાખ કરોડ ડોલર સાથે દુનિયાનું ત્રીજું અર્થતંત્ર બની જશે
- યુદ્ધો-ઘર્ષણોએ વૈશ્વિક પુરવઠા ચેઈન ખોરવી, ગ્રામીણ ક્ષેત્રોમાં આવક વધી: નાણામંત્રી
નવી દિલ્હી : દેશની જનતા ભવિષ્ય તરફ જોઈ રહી છે. તે ખૂબ જ આશાવાદી છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. છેલ્લા દાયકામાં ભારતીય અર્થતંત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે તેમ નાણામંત્રી નિર્મલા સીતારામને વચગાળાનું બજેટ રજૂ કરતાં ગુરુવારે કહ્યું હતું.
નાણામંત્રી સીતારામને કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં દેશ અનેક પડકારોનો સામનો કરી રહ્યો હતો. સરકારે આ બધા જ પડકારો દૂર કરી દીધા છે અને માળખાગત સુધારા, જનતાના હિતો માટેના સુધારા કર્યા છે. સરકારે જનતાને વધુમાં વધુ રોજગારની તકો આપી છે. દેશમાં નવા ઉદ્દેશ્ય અને આશા જાગી છે. જનતાએ બીજી વખત સરકાર માટે અમારી પસંદગી કરી હતી. અમે વ્યાપક વિકાસની વાતો કરી. 'સબકા સાથ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસ'ના મંત્રથી આપણે આગળ વધ્યા છીએ.
નિર્મલા સીતારામને કહ્યું કે, અમે દરેક ઘરે નળથી પાણી, બધાને વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને બેન્ક એકાઉન્ટ ખોલવા માટે કામ કર્યું છે. ખાદ્યાન્નની ચિંતાઓને દૂર કરી છે. ૮૦ કરોડ લોકોને નિઃશુલ્ક ખાદ્યાન્ન પૂરું પાડયું છે. મૂળભૂત આવશ્યક્તાઓ પૂરી કરી છે, જેથી ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોની આવક વધી છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે. અમે લોકોને સશક્ત બનાવવાનું કામ કરી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર અને પરીવારવાદને ખતમ કર્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૫.૮ ટકાના દરે સંકોચાયા પછી ભારતીય અર્થતંત્રે ૨૦૨૧-૨૨માં ૯.૧ ટકાનો વિક્રમી વૃદ્ધિદર હાંસલ કર્યો હતો. નાણામંત્રીએ તેમના તાજા આર્થિક સર્વેક્ષણમાં કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર વર્તમાન ૩.૭ લાખ કરોડથી વધીને આગામી ત્રણ વર્ષમાં ૫ લાખ કરોડ થઈ જશે અને દુનિયાનું ત્રીજું અર્થતંત્ર બની જશે. વધુમાં ભારત વર્ષ ૨૦૩૦ સુધીમાં ૭ લાખ કરોડ યુએસ ડોલરનું અર્થતંત્ર બનવાની મહેચ્છા ધરાવે છે.
નાણામંત્રીએ કહ્યું કે, વિશ્વના અલગ અલગ ભાગોમાં યુદ્ધો અને ઘર્ષણ ચાલી રહ્યા છે, જેણે અર્થતંત્રના વિકાસ માટે અનેક પડકારો ઊભા કર્યા છે. રશિયા-યુક્રેન ઘર્ષણ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધે વૈશ્વિક પુરવઠા ચેઈન ખોરવી નાંખી છે, જેથી વેપાર પર અસર પડી છે. આ યુદ્ધો દરમિયાન નવો વર્લ્ડ ઓર્ડર ઊભરી રહ્યો છે અને ભારતે સફળતાપૂર્વક ઈંધણ અને ખાતરના ભાવમાં ઊછાળાના પડકારોનો સામનો કર્યો છે. દેશમાં નાણાકીય સેક્ટરને મજબૂત બનાવવામાં બચત, ક્રેડિટ અને રોકાણોએ વધુ અસરકારક રીતે મદદ કરી છે.