સીએએ હેઠળ 300થી વધુ લોકોને ભારતીય નાગરિકતા

Updated: May 16th, 2024


Google NewsGoogle News
સીએએ હેઠળ 300થી વધુ લોકોને ભારતીય નાગરિકતા 1 - image


- બંગાળ, તામિલનાડુ, કેરળ દ્વારા નાગરિકતા કાયદામાં સુધારાના વિરોધ વચ્ચે અમલનો આરંભ

- દિલ્હીમાં ગૃહ મંત્રાલયે 14 લોકોને રૂબરૂમાં જ્યારે બાકીનાને ઓનલાઈન સર્ટિફિકેટ આપ્યા, પ્રથમ લાભાર્થીઓમાં પાક.થી આવેલા હિન્દુઓ વધુ

- પાક., બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં ભેદભાવ સહન કરતા લઘુમતીઓની પ્રતિક્ષાનો અંત આવ્યો : અમિત શાહ

નવી દિલ્હી : ભારતીય નાગરિકતા આપવા માટેના કાયદામાં કરાયેલા સુધારા એટલે કે સીએએ હેઠળ પ્રથમ જુથને નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. સીએએનો અમલ થયો તેના બે મહિના બાદ બુધવારે દિલ્હીમાં ૧૪ લોકોને નાગરિકતાનું સર્ટિફિકેટ ગૃહ સચિવના હસ્તે આપવામાં આવ્યું હતું. જ્યારે આશરે ૩૦૦ લોકોની ભારતીય નાગરિકતા મંજૂર કરાઇ છે. ગૃહ મંત્રી અમિત શાહે આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. સાથે જણાવ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં દસકાઓથી જે લોકો ધર્મના આધારે થતા અત્યાચારો સહન કરી રહ્યા હતા તેમની પ્રતિક્ષાનો અંત આવ્યો છે.

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ડિસેમ્બર ૨૦૧૪ પહેલા ભારતમાં આવી વસેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તીઓને સીએએ હેઠળ નાગરિકતા આપવામાં આવી રહી છે. જે માટે ડિસેમ્બર ૨૦૧૯માં સુધારો કરવામાં આવ્યો હતો. જોકે તેનો અમલ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ કરવામાં આવ્યો છે. અમલ થયાના બે મહિના બાદ હવે બુધવારે નાગરિકતા આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 

દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સીએએ હેઠળ ૧૪ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, જ્યારે કુલ ૩૦૦ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ૧૪ સિવાયના અન્ય લોકોને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર જે પણ લોકોને તાજેતરમાં નાગરિકતા આપવામાં આવી છે તેમાંથી સૌથી વધુ પાકિસ્તાની હિન્દુઓ છે. સર્ટિફિકેટ મેળવનારા ૨૪ વર્ષીય ભરત કુમારે જણાવ્યું હતું કે અમે લોકો ૧૧ વર્ષ પહેલા પાકિસ્તાનથી ભારત આવ્યા હતા, મને હાલ નાગરિકતા આપવામાં આવી છે. એક ભારતીય બનવાનું મને ગૌરવ થઇ રહ્યું છે. ૨૦૧૯માં જ્યારે નાગરિકતા કાયદામાં સુધારો કરવામાં આવ્યો ત્યારે એવા દાવા થઇ રહ્યા હતા કે સીએએ બાદ એનઆરસી પણ અમલમાં આવી શકે  છે. જેને કારણે સમગ્ર દેશમાં સીએએ અને એનઆરસીનો ઉગ્ર વિરોધ થયો હતો. દિલ્હીના શાહીનબાગમાં મહિનાઓ સુધી મુસ્લિમ મહિલાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જ્યારે આસામમાં હિન્દુઓ દ્વારા સીએએનો વિરોધ કરવામાં આવ્યો હતો અને દાવો કરાયો હતો કે ૧૯૭૧ના યુદ્ધ સમયે કે બાદમાં જે લોકો બાંગ્લાદેશથી આસામમાં આવ્યા છે તેમને નાગરિકતા આપવાથી આસામના મૂળ નાગરિકોના અધિકારો છીનવાઇ જશે. જ્યારે વિરોધ કરનારા મુસ્લિમોની માગણી હતી કે સીએએમાં મુસ્લિમોનો પણ સમાવેશ કરવામાં આવે.  તાજેતરમાં સીએએનો અમલ કરવામાં આવ્યો ત્યારે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળના મુખ્યમંત્રીઓએ જાહેર કર્યું હતું કે અમે સીએએનો અમલ નહીં થવા દઇએ. જોકે નિષ્ણાતોના મતે રાજ્યો સીએએનો અમલ અટકાવી ના શકે. આમ વિપક્ષના વિરોધ વચ્ચે સીએએનો અમલ શરૂ કરવામાં આવ્યો અને હવે નાગરિકતા પણ આપવામાં આવી રહી છે.


Google NewsGoogle News