'મ્યાનમારના રખાઈનમાં રહેવું જોખમી, તાત્કાલિક નીકળો...' વિદેશ મંત્રાલયની ભારતીયોને સલાહ
- છેલ્લા કેટલાક મહિનામાં મ્યાનમારમાં હિંસામાં નોંધપાત્ર વધારો થયો
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 07 ફેબ્રુઆરી 2024, બુધવાર
મ્યાનમારમાં તણાવપૂર્ણ સ્થિતિ વિદેશ મંત્રાલય (MEA) એ મંગળવારે એક એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને રખાઈન પ્રાંતની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, હાલમાં રખાઈન પ્રાંતમાં રહેતા ભારતીય નાગરિકો તાત્કાલિક અહીંથી કોઈ અન્ય સુરક્ષિત સ્થળે ચાલ્યા જાઓ. વિદેશ મંત્રાલયે પોતાની એડવાઈઝરીમાં કહ્યું કે, વણસી રહેલી સુરક્ષા સ્થિતિ, લેન્ડલાઈન સહિત ટેલિકોમ્યુનિકેશનના અન્ય સાધનોમાં અવરોધ અને આવશ્યક ચીજવસ્તુઓની ગંભીર અછતને ધ્યાનમાં રાખીને તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ મ્યાનમારના રખાઈન પ્રાંતમાં મુસાફરી ન કરે અને જે ભારતીય નાગરિકો પહેલાથી જ રખાઈનમાં સ્થિત છે તેમને તાત્કાલિક ત્યાંથી બહાર નીકળી જવાની સલાહ આપવામાં આવી છે.
મ્યાનમારમાં લોકતંત્રની પુનઃસ્થાપનાની માંગ સાથે વ્યાપક હિંસક વિરોધ પ્રદર્શનો
વિદેશ મંત્રાલયે કહ્યું કે, મ્યાનમારમાં રહેવાની યોજના બનાવી રહેલા તમામ ભારતીય નાગરિકો (ટૂંકા ગાળાના પ્રવાસીઓ સિવાય)ને યાંગૂન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે પોતાની નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસ સાથે નોંધણીથી નાગરિકોને કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં અથવા જો એવી જરૂરિયાત ઊભી થવા પર હાથ ધરવામાં આવેલ ઉપાયોની સુવિધા મળશે. 1 ફેબ્રુઆરી 2021ના રોજ સેના દ્વારા તખ્તાપલટ કરી કબજો કર્યા બાદથી મ્યાનમારમાં લોકતંત્રની પુનઃસ્થાપનાની માંગ સાથે વ્યાપક હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. મ્યાનમારની સેના તેના વિરોધીઓ અને શાસક શાસન સામે સશસ્ત્ર સંઘર્ષ કરી રહેલા લોકોને નિશાન બનાવીને હવાઈ હુમલાઓ કરી રહી છે.
મ્યાનમારમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું
રખાઈન પ્રાંત અને અન્ય કેટલાક વિસ્તારોમાં ઓક્ટોબર 2023થી વંશીય જૂથો અને મ્યાનમાર સૈન્ય વચ્ચે ગંભીર લડાઈ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં મ્યાનમારમાં હિંસામાં નોંધપાત્ર વધારો થયો છે જેને 2021 બાદ જુન્ટા શાસનનો સૌથી મોટો પડકાર કહી શકાય છે. ત્રણ વંશીય લઘુમતી દળોએ ગત વર્ષે ઓક્ટોબરમાં લશ્કરી શાસન સામે એક સંકલિત આક્રમણ શરૂ કર્યું હતું. વંશીય દળોએ કેટલાક નગરો અને લશ્કરી ચોકીઓ પણ કબજે કરી લીધી હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં ઓછામાં ઓછા 151 મ્યાનમાર સૈનિકો સશસ્ત્ર વંશીય જૂથથી બચવા માટે મિઝોરમમાં ભાગી આવી હતા.