નેપાળમાં મોટી દુર્ઘટના, ભારતીયોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 14નાં મોતથી ખળભળાટ
kathmandu Bus Accident : નેપાળના તનહૂં જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય મુસાફરોને લઇ જઇ રહેલી બસ માર્સ્યાંગદી નદીમાં ખાબકી ગઇ છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ડીએસપી દીપુકમાર રાયે જાણકારી આપી હતી કે યૂપી એફટી 7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં ખાબકી ગઇ છે અને હવે નદીના કિનારે પડી છે.
આ દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્યમાં 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 16 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ બસ પોખરાના મજેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઇને કાઠમાંડુ તરફ રવાના થઇ હતી. અકસ્માત વખતે બસમાં ભારતીય મુસાફરો સવાર હતા.
સ્થાનિક પોલીસ અને બચાવદળે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય શરૂ કરી દીધું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર બસ નદીમાં કેવી રીતે ખાબકી તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તંત્રએ ઘટનાની ગંભીરતા જોતાં તમામ જરૂરી ઉપાય શરૂ કરી દીધા છે અને રાહત અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપી છે.