ભારતીય ઉદ્યોગપતિનો લંડનમાં દબદબો, ખરીદ્યુ સૌથી મોંઘું 1200 કરોડનું ઘર
રવિ રુઈયાએ લંડનમાં લગભગ 1200 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું
છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી મોટો પ્રોપર્ટી ડીલ
Image Twitter |
નવી દિલ્હી, તા. 23 જુલાઈ 2023, રવિવાર
બ્રિટનની રાજધાની લંડનને કેટલાક સમયથી ભારતીય અબજોપતિઓનું પ્રિય શહેર માનવામાં આવે છે. સ્ટીલ કિંગ લક્ષ્મી નિવાસ મિત્તલથી લઈને વેદાંતાના અનિલ અગ્રવાલ જેવા અબજોપતિઓના ઘર લંડનમાં છે. તો હાલમાં જ ભારતીય ઉદ્યોગપતિ અને એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક રવિ રુઈયાનું નામ પણ જોડાયુ છે.
આ બંગલો રશિયાના પ્રોપર્ટી ઇન્વેસ્ટર એન્ડ્રી ગોંચરેન્કો સાથે જોડાયેલો છે
રુઈયા ફેમિલીએ લંડનમાં બકિંગહામ પેલેસ પાસે લગભગ 1,200 કરોડ રુપિયા (113 મિલિયન યુરો) માં આલીશાન બંગલો ખરીદ્યો છે. આ ડીલ છેલ્લા કેટલાક વર્ષોની લંડનમાં સૌથી મોટી પ્રોપર્ટી ડીલ માનવામાં આવે છે. આ બંગલો રશિયાના પ્રોપર્ટી ઇન્વેસ્ટર એન્ડ્રી ગોંચરેન્કો સાથે જોડાયેલો છે. રુઈયાએ જે પ્રોપર્ટી ખરીદી છે તેનું નામ હેનોવર લોજ છે. રુઈયાએ ખરીદેલ આ ઘર લંડનના 150 પાર્ક રોડ પર આવેલું છે અને તેની બરાબર સામે રીજન્ટ્સ પાર્ક આવેલુ છે.
લંડનમાં સામાન્ય રીતે વગર લોનથી થતી હોય છે ખરીદી
લંડનમાં સામાન્ય રીતે આવા મોંઘા ઘરોનો સોદો કરનારા લોન લીધા વગર કરતા હોય છે. આ લોકોને કોઈ લોન લેવાની જરૂર હોતી નથી. બ્રોકરેજ ફર્મ નાઈટ ફ્રેન્કના જણાવ્યા પ્રમાણે વિશ્વભરમાં 3 કરોડ ડોલર કે તેથી વધુની નેટવર્થ ધરાવતા લોકોમાથી 17 ટકા લોકોએ ઓછામાં ઓછું એક ઘર ખરીદ્યુ છે.
કોણ છે રવિ રૂઈયા
રવિ રુઈયા એસ્સાર ગ્રુપના કો-ફાઉન્ડર છે. તેમનો જન્મ એપ્રિલ 1949માં થયો છે અને તેઓ મિકેનિકલ એન્જિનિયર છે. તેમણે ચેન્નાઈની કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી છે. રવિએ પોતાનું કરિયર ફેમિલી બિઝનેસથી શરૂઆત કરી હતી, અને તેમના મોટા ભાઈ શશિ રુઈયા સાથે મળીને કંપનીને એક નવી ઊંચાઈઓ પર પહોચાડી છે. બંને ભાઈઓએ સાથે મળીને સયુક્ત રુપે એસ્સાર ગ્લોબલ ફંડ લિમિટેડ (EGFL)ની સ્થાપના કરી હતી. અને તેનું એસ્સાર કેપિટલ લિમિટેડ દ્વારા જ મેનેજમેન્ટ કરવામાં આવે છે. 20 થી પણ વધારે દેશોમાં ફેલાયેલ એસ્સાર ગ્રુપ સ્ટીલ, ઓઈલ અને ગેસ, પાવર, કોમ્યુનિકેશન, શિપિંગ, પ્રોજેક્ટ્સ અને મિનરલ્સના સેક્ટરમાં કામ કરે છે. હાલમાં કંપનીમાં 75 હજારથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. માહિતી પ્રમાણે એસ્સાર કંપનીની રેવન્યુ 17 અરબ ડોલરની માનવામાં આવે છે.