દેશભરના ખેડૂતો પાસે હવે ઈથેનોલ પંપ હશે, કાર-ટૂ વ્હિકલર્સ હવે ઈથેનોલથી પણ દોડશે: ગડકરીનું મોટું નિવેદન
Nitin gadkari: ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતુ ઓટો માર્કેટ છે. ભારતમાં તાજેતરમાં ઈવીથી લઈને ઈથેનોલ અને સીએનજીથી દોડતા વાહનોના ટ્રાયલ કરવામાં આવ્યા છે તેવામાં દેશના રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગડકરીએ એક સૂચક નિવેદન આપ્યું છે કે, ભારતનું ભવિષ્ય ઈથેનોલથી ચાલતા વાહનો હશે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, ભારતીય ઓટો કંપનીઓ ટૂંક સમયમાં દેશમાં 100 ટકા ઈથેનોલથી ચાલતી કાર અને ટુ-વ્હીલરનું ઉત્પાદન કરશે. હાલ દેશમાં પેટ્રોલમાં ઈથેનોલ ભેળવીને દેશભરમાં વેચવામાં આવી રહ્યું છે અને દેશના મોટાભાગના ઓટોમેકર્સ ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. આ ટેક્નોલોજી હેઠળ પેટ્રોલ અને ઇથેનોલ બંને પર કાર ચલાવી શકાય છે.
કેન્દ્રીય મંત્રી આ સપ્તાહે સંસદમાં એક ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન પર ચાલતી કારમાં આવ્યા હતા. ગડકરીએ કહ્યું કે, આ વિશ્વનું પ્રથમ વ્હિકલ છે જેમાં ફ્લેક્સી એન્જિન છે અને યુરો 6 ઉત્સર્જન ધોરણોનું પાલન પણ કરે છે એટલેકે નેટ ઝીરો એમિશન કાર છે. શેરડીના રસ, ગોળ અને મકાઈમાંથી ઉત્પાદિત ઇથેનોલ આ કાર પર ચાલે છે.
તાજેતરમાં ટોયોટાએ જાહેરાત કરી હતી કે, તેઓ સ્થાનિક સ્તરે ફ્લેક્સ-ફ્યુઅલ કારનું ઉત્પાદન કરવા ભારતમાં પ્લાન્ટ સ્થાપશે. આ ઉત્પાદન સુવિધા 20,000 કરોડના રોકાણ સાથે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થાપિત કરવામાં આવશે.
ગડકરીએ ખુલાસો કર્યો છે કે, ટાટા મોટર્સ અને સુઝુકી પણ 100 ટકા ઇથેનોલ અથવા ફ્લેક્સી-ફ્યુઅલ એન્જિનવાળા વાહનો બનાવવા પર કામ કરી રહી છે.
ગડકરીએ કહ્યું કે, માત્ર પેસેન્જર વ્હીકલ સેક્ટરમાં જ નહીં પરંતુ ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં પણ બજાજ ઓટો, ટીવીએસ અને હીરો મોટોકોર્પ જેવી ઓટો કંપનીઓ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન પર ચાલતી મોટરસાઇકલ અને સ્કૂટર બનાવી રહી છે. પેટ્રોલ પંપની જેમ, અમારા ખેડૂતો પાસે હવે ઇથેનોલ પંપ હશે.