ભારતીય સેનાનો 'અર્જુન' દુશ્મનો પર રાખશે નજર, હવામાં જ ડ્રોનનો નાશ કરશે
નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2022, મંગળવાર
ઉત્તરાખંડના સરહદી વિસ્તાર ચમોલી જિલ્લાના ઔલીમાં ભારત અને અમેરિકી દળો વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે. આ કવાયત દરમિયાન ભારતીય સેનાએ તેનું ખાસ પ્રશિક્ષિત ગરુડ 'અર્જુન' પણ પ્રદર્શિત કર્યું હતું. વાસ્તવમાં, ભારતીય સેના હવે દુશ્મનના ડ્રોનને તોડી પાડવા માટે શસ્ત્રો નહીં પણ ગરુડને તાલીમ આપી રહી છે. ભારતીય સેનાનો આ 'અર્જુન' હવે બોર્ડર પર ડ્રોનનો શિકાર કરશે. સેનાએ આ પક્ષીને ખાસ તાલીમ આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેના પહેલીવાર દુશ્મનના ડ્રોનને તોડી પાડવા માટે ગરુડનો ઉપયોગ કરશે.
ભારતીય સેનાએ યુદ્ધાભ્યાસ દરમિયાન એવી સ્થિતિનું નિર્માણ કર્યું, જેમાં અર્જુન દુશ્મનના ડ્રોનને શોધીને તેને નષ્ટ કરી શકે. આ સમગ્ર કવાયતમાં એક ગરુડ અને એક પ્રશિક્ષિત કૂતરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રોનનો અવાજ સાંભળીને કૂતરાએ સૈનિકોને સતર્ક કર્યા, જ્યારે ગરુડે પહેલા ડ્રોનનું સ્થાન ઓળખ્યું અને પછી તેને હવામાં ઉડાવી દીધું.
આવો પ્રથમ પ્રયોગ
કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેનાના જવાનો પહેલીવાર દુશ્મનના ડ્રોનને તોડી પાડવા માટે ટ્રેન્ડ ઈગલનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે સૈન્ય હવે લશ્કરી કામગીરી માટે પ્રશિક્ષિત કૂતરાઓ સાથે ગરુડનો ઉપયોગ કરી રહી છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ડ્રોન દ્વારા સરહદ પર બંદૂકો, પૈસા અને ડ્રગ્સ છોડવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે પ્રશિક્ષિત ગરુડની મદદથી સેના પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સરહદ પરના જોખમનો સામનો કરી શકશે.
માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીર પોલીસે 24 નવેમ્બરના રોજ સાંબામાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. સેનાએ આમાંથી હથિયાર અને પૈસા પણ જપ્ત કર્યા છે. હવે ઔલીમાં ચાલી રહેલા દાવપેચ દરમિયાન સેનાના જવાનોએ MI-17 હેલિકોપ્ટર વડે ઓપરેશન હાથ ધર્યું. ભારત અને અમેરિકા વચ્ચેની આ સંયુક્ત તાલીમ કવાયત 15 દિવસ સુધી ચાલશે.