ભારતીય સેનાને વર્લ્ડ ક્લાસ સ્વદેશી તોપો મળશે, 48 કિમી દૂર સુધી દુશ્મનનો ખાતમો કરવા સક્ષમ
Artillery Guns: ભારતીય સેના ટૂંક સમયમાં સ્વદેશી આર્ટિલરી તોપથી સજ્જ થશે. દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે સરકારે 7000 કરોડ રૂપિયાના કરારને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS)એ ગુરુવારે (20મી માર્ચ) સ્થાનિક રીતે ઉત્પાદિત 307 આર્ટિલરી ગન અને ટોઈંગ વાહનો માટે 7,000 કરોડ રૂપિયાના કરારને મંજૂરી આપી હતી.
તોપની રેન્જ લગભગ 48 કિમી
સૂત્રોના જણાવ્યાનુસાર, ATAGS (એડવાન્સ્ડ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ) કરારમાં 327 ટોઈંગ ટ્રકનો પણ સમાવેશ થાય છે, જેનાથી માર્ચના અંત સુધીમાં કરાર પર હસ્તાક્ષર કરવાનો માર્ગ મોકળો થશે. 155 મીમી/52-કેલિબર તોપની રેન્જ લગભગ 48 કિમી છે. નવી તોપની ખરીદી ભારતમાં આધુનિકીકરણને પ્રોત્સાહન આપશે અને ભારતીય સેનાની તૈયારીમાં પણ વધારો કરશે. સેનાએ 2017થી 720 મિલિયન ડોલર કરાર હેઠળ આવી 100 તોપનો સમાવેશ કર્યો છે અને તેમાંથી ઘણીને પર્વતોમાં સંચાલન માટે સક્ષમ બનાવવા માટે અપગ્રેડ કર્યા પછી લદાખ સેક્ટરમાં તહેનાત કરવામાં આવી છે. આ તોપ મૂળ રણ વિસ્તારો માટે ખરીદવામાં આવી હતી.
આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, બીજાપુરમાં 18, કાંકેરમાં 4 નક્સલી ઠાર માર્યા
ATAGS પ્રોજેક્ટ શું છે?
ઉલ્લેખનીય છે કે, DRDOએ 2013માં એડવાન્સ્ડ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય સેનાની જૂની તોપને આધુનિક 155mm આર્ટિલરી ગન સિસ્ટમથી બદલવાનો હતો. આ તોપના ઉત્પાદન માટે DRDOએ બે ખાનગી કંપનીઓ ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે. આ ઓર્ડર બે કંપનીઓ વચ્ચે વહેંચવામાં આવશે. ATAGS ટેન્ડર માટે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની ભારત ફોર્જ 60% તોપનું ઉત્પાદન અને સપ્લાય કરશે. બાકીની 40 ટકા તોપ TASL (ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ) દ્વારા બનાવવામાં આવશે.