જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું, એક જવાન શહીદ અને નવ ઘાયલ
Army Vehicle Meets With Accident in Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અનંતનાગમાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સેનાના એક જવાન શહીદ થયા હતા,જ્યારે નવ જવાનો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વેરીનાગ વિસ્તારમાં સર્જાયો હતો.
ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'બટાગુંડ વેરિનાગ વિસ્તારમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સેનાનું વાહન સીધું ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માતની માહિતી મળતાની સાથે જ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં એક જવાન શહીદ અને નવ જવાન ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.'
પૂંછમાં વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના વાહનોના કાફલા પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં પાંચ જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલો સુરનકોટના સનાઈ ગામમાં થયો હતો.