સિક્કિમમાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ચાર જવાન શહીદ
Indian Army Vehicle Accident in Sikkim : સિક્કિમમાં ભારતીય સેનાનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ચાર જવાન શહીદ થયા છે. હાલ સેના અને સ્થાનિક વહિવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે અને ખીણમાંથી જવાનોના પાર્થિક શરીરને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ટ્રકની સ્પીડ વધુ હોવાથી દુર્ઘટના સર્જાઈ
ઘટના અંગે ભારતીય સેનાના અધિકારીએ કહ્યું કે, ભારતીય સેનાનું ટ્રક પશ્ચિમ બંગાળના પેડોંગ પરથી વાયા સિલ્ક રૂટથી થઈ સિક્કિમના જુલુક તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન ટ્રક સિક્કિમના પાકયોંગ જિલ્લામાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ ઘટનામાં સેનાના ચાર જવાનો શહીદ થયા છે. એવું કહેવાય છે કે, ટ્રકની સ્પીડ વધુ હોવાથી દુર્ઘટના સર્જાઈ છે.
આ જવાનો થયા શહીદ
શહીદ થયેલા જવાનોમાં મધ્યપ્રદેશના ડ્રાઈવર પ્રદીપ પટેલ, મણિપુરના ક્રાફ્ટમૈન ડબલ્યૂ. પીટર, હરિયાણાના નાયક ગુરસેવ સિંહ અને તમિલનાડુના સૂબેદાર કે.થંગાપંડી સામેલ છે. આ તમામ જવાનો પશ્ચિમ બંગાળના બિનાગુડીની એક યુનિટમાં ફરજ નિભાવી રહ્યા હતા.