VIDEO: વાયુસેનાનું પરાક્રમ, પહેલીવાર રાત્રિના સમયે કારગિલ એરસ્ટ્રીપ પર લેન્ડ કર્યું હર્ક્યુલસ વિમાન
C-130J સુપર હર્ક્યુલસ વિમાન ઉડાવવા ઓછામાં ઓછા ત્રણ ક્રૂની જરૂર હોય છે
આ સુપર ફાસ્ટ વિમાન એક કલાકમાં 644 કિલોમીટરનું અંતર કાપવા સક્ષમ
Kargil Airstrip : ભારતીય વાયુસેનાએ લદ્દાખના કારગિલ શહેરમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. ગઈકાલે રાત્રે વાયુસેનાએ કારગિલ એરસ્ટ્રીપ પર C-130J સુપર હર્ક્યુલસ વિમાનને લેંડ કરાવ્યું હતું. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
વાયુસેનાએ પહેલીવાર રાતના સમયે કારગિલ એરસ્ટ્રીપ પર લેંડ કરાવ્યું C-130J સુપર હર્ક્યુલસ વિમાન
ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને કહ્યું, ‘વાયુસેનાએ પહેલીવાર C-130J વિમાનને કારગિલ એરસ્ટ્રીપ પર રાતના સમયે લેંડ કરાવ્યું છે. આ અભ્યાસ દરમિયાન ટેરેન માસ્કિંગનું કામ કરતા ગરુડ કમાન્ડોને પણ તહેનાત કરવામાં આવ્યા હતા.’ ટેરેન માસ્કિંગ એક લશ્કરી વ્યૂહરચના છે, જેમાં પર્વતો, ટેકરીઓ અને જંગલ જેવી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરી દુશ્મનના રડારથી બચવા માટે કરવામાં આવે છે. તેનો હેતુ દુશ્મનોથી છુપાઈને તેની કામગીરી હાથ ધરવાનો છે.
કારગિલમાં રાત્રે હિમવર્ષા દરમિયાન લેંડ કરવું પડકારજનક
કારગિલ ચારેય બાજુથી પર્વતોથી ઘેરાયેલું છે, આવી સ્થિતિમાં અહીં લેન્ડ કરવું ખૂબ જ પડકારજનક છે. શિયાળાના સમયે હિમવર્ષાના કારણે પણ અહીં લેન્ડ કરવું વધુ મુશ્કેલ બની જાય છે. રાત્રે હિમવર્ષા દરમિયાન વિમાનને એરસ્ટ્રીપ પર લેન્ડ કરવું ખૂબ મુશ્કેલ છે. લેન્ડિંગ દરમિયાન વિમાનોએ માત્ર રાત્રિના અંધારામાં પહાડોથી બચવાનું જ નથી હોતું પણ લેન્ડિંગ માટે માત્ર નેવિગેશન પર આધાર રાખવો પડે છે.
શું છે C-130J સુપર હર્ક્યુલસ વિમાનની વિશેષતા
C-130J સુપર હર્ક્યુલસ વિમાનને ઉડાવવા માટે ઓછામાં ઓછા ત્રણ ક્રૂ મેમ્બર્સની જરૂર હોય છે, જેમાં 2 પાયલોટ અને એક લોડમાસ્ટર હોય છે. આ વિમાનમાં 19 ટન સામાન લોડ કરીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જઈ શકાય છે. આ વિમાન એક કલાકમાં 644 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ વિમાન ટૂંકા ટેક-ઓફ અને લેન્ડિંગ માટે સક્ષમ છે.