Get The App

પહાડો પર મળ્યા ચાર દેહના અવશેષ: 56 વર્ષ અગાઉ મુસાફરો સાથે ક્રેશ થયું હતું વાયુસેનાનું વિમાન

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
પહાડો પર મળ્યા ચાર દેહના અવશેષ: 56 વર્ષ અગાઉ મુસાફરો સાથે ક્રેશ થયું હતું વાયુસેનાનું વિમાન 1 - image


Indian Air Force AN-12 Plane Crash: 56 વર્ષ પહેલા 1968માં 7 ફેબ્રુઆરીના રોજ ચંદીગઢથી 98 મુસાફરોને લઈને ભારતીય વાયુસેનાના એક વિમાને લેહ માટે ઉડાન ભરી હતી. આ AN-12 વિમાનના પાયલટ ફ્લાઈટ લેફ્ટનન્ટ હરકેવલ સિંહ અને સ્ક્વોડ્રન લીડર પ્રાણ નાથ મલ્હોત્રા હતા. તેમની સાથે બે ક્રૂ મેમ્બર પણ વિમાનમાં સવાર હતા. જ્યારે અધવચ્ચે હવામાન ખરાબ થઈ ગયુ ત્યારે પાયલટે વિમાનને પાછું ફેરવવાનું નક્કી કર્યું. પરંતુ રોહતાંગ પાસ પર વિમાન સાથે રેડિયો સંપર્ક તૂટી ગયો હતો. કોઈ કાટમાળ મળ્યો ન હોવાથી તમામ 102 લોકોને લાપતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. વિમાનનો કાટમાળ અને મૃતદેહોના અવશેષો દાયકાઓ સુધી બરફીલા વિસ્તારમાં દટાયેલા રહ્યા. હવે 56 વર્ષ બાદ પહાડો પરથી 4 મૃતદેહના અવશેષો મળી આવ્યા છે. 

2003માં શોધવામાં આવ્યો હતો કાટમાળ

2003માં અટલ બિહારી વાજપેયી ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગના પર્વતારોહકોએ વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો. પર્વતારોહકોને એક મૃતદેહના અવશેષો પણ મળી આવ્યા હતા જેમની ઓળખ વિમાનમાં સવાર કોન્સ્ટેબલ બેલી રામ તરીકે થઈ હતી. ત્યારબાદ સેના અને ખાસ કરીને ડોગરા સ્કાઉટ્સે ઘણી વખત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટના સ્થળના દૂર્ગમ ક્ષેત્રો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે 2019 સુધીમાં માત્ર પાંચ મૃતદેહોના અવશેષો જ મળી શક્યા છે. ‘ચંદ્ર ભાગા માઉન્ટેન એક્સપેડીશન’ને હવે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા છે. જેના કારણે મૃતકોના પરિવારજનો અને દેશને નવી આશાનું કિરણ દેખાયું છે. 

ભારતના સૌથી લાંબા ઓપરેશનમાંથી એક

આ ભારતના સૌથી લાંબા સમય સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાંથી એક છે. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે, આ અવશેષો ભારતીય થલસેનાના 'ડોગરા સ્કાઉટ્સ' અને 'તિરંગા માઉન્ટેન રેસ્ક્યૂ'ના જવાનોની સંયુક્ત ટીમે શોધ્યા છે. 7 ફેબ્રુઆરી 1968ના રોજ ચંદીગઢથી લેહ માટે ઉડાન ભર્યા બાદ ટ્વીન એન્જિન ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લાપતા થઈ ગયું હતું. તેમાં 102 લોકો સવાર હતા. એક અસાધારણ ઘટનાક્રમમાં 1968માં રોહતાંગ પાસ પર ક્રેશ થયેલા AN-12 વિમાનમાંથી કર્મચારીઓના અવશેષોને મેળવવા માટે ચાલુ સર્ચ ઓપરેશન અને રેસ્ક્યુ મિશનને મહત્વપૂર્ણ સફળતા મળી છે. 

કયા મુસાફરોના અવશેષ મળ્યા છે ?

અધિકારીઓએ જણાવ્યું કે, ચારમાંથી ત્રણ મૃતદેહોના અવશેષો મલખાન સિંહ, સિપાહી નારાયણ સિંહ અને શિલ્પકાર થોમસ ચરણના છે. બાકીના અવશેષોમાંથી મળી આવેલા દસ્તાવેજો પરથી વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. જો કે, અધિકારીઓએ જણાવ્યું કે, તેમના નજીકના સંબંધીઓની વિગતો મળી આવી છે. થોમસ કેરળના પથાનમથિટ્ટા જિલ્લાના એલંથૂરનો રહેવાસી હતો. તેમણે કહ્યું કે તેમના માતા અલીમાને આ અંગે જાણ કરવામાં આવી છે. સત્તાવાર રેકોર્ડમાંથી મેળવેલા દસ્તાવેજોની મદદથી મલખાન સિંહની ઓળખની પુષ્ટિ કરવામાં આવી છે. આર્મી મેડિકલ કોર્પ્સમાં ફરજ બજાવતા સિપાહી સિંહની ઓળખ સત્તાવાર દસ્તાવેજો દ્વારા કરવામાં આવી હતી.


Google NewsGoogle News