દેશભરમાં મેઘરાજાના કહેર બાદ હવે કડકડકતી ઠંડી માટે તૈયાર રહો, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
India Winter Forecast : હાલ દેશભરમાં મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ, પુર, ભુસ્ખલન સહિતના અહેવાલો સામે આવી રહ્યા છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) મેઘકહેર વચ્ચે કડકડતી ઠંડીની આગાહી કરી છે. આઈએમડીના જણાવ્યા મુજબ ચોમાસાની સિઝનના અંતે એટલે કે, સપ્ટેમ્બર દરમિયાન લા-નીના એક્ટિવ થવાની સંભાવના છે અને આ સ્થિતિ ભારે શિયાળાનો અનુભવ કરાવી શકે છે. આમ તો શિયાળા દરમિયાન લા-નીના એક્ટિવ થવાના કારણે તાપમાનમાં ઘણો ઘટાડો થાય છે અને આ સાથે વરસાદ પણ વધી જાય છે.
આ વર્ષે પડશે કડકડતી ઠંડી
હવામાન વિભાગનું માનીએ તો હવે ચોમાસાના છેલ્લા સપ્તાહમાં અથવા ચોમાસાની વિદાય થયા બાદ જ લા-નીનાની સ્થિતિ વિકસીત થશે. એટલ કે લા-નીનાના કારણે ચોમાસુ બેઅસર રહેશે, પરંતુ જો શિયાળાની શરૂઆતના થોડા દિવસો પહેલા લા-નીનાની પરિસ્થિતિ ઉભી થશે તો ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડી શકે છે. આઈએમડીના અંદાજ મુજબ સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન લા-લીના સક્રિય થવાની 66 ટકા સંભાવના છે. નવેમ્બરથી જાન્યુઆરી 2025 દરમિયાન શિયાળા દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં તે રહેવાની શક્યતા 75 ટકાથી વધુ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી: અમદાવાદ, સુરત, રાજકોટ સહિત આટલા જિલ્લામાં થશે મેઘમહેર
લા-નીનાની સ્થિતિ ઉભી થવાના વિલંબ થયો
હાલ પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સપાટીનું તાપમાન સરેરાશ કરતા વધુ છે, જ્યારે પૂર્વીય પેસિફિક મહાસાગરમાં તાપમાન સરેરાશની નજીક અથવા નીચે છે. બંને બાજુ તાપમાન વચ્ચેનો તફાવત શૂન્યની નજીક હોવાના કારણે એનસો ન્યૂટ્રલ (તટસ્થ) પરિસ્થિતિ બનેલી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ લા-નીનાની સ્થિતિ ઉભી થવાના વિલંબ થયો છે.
દક્ષિણ ભારતના ચોમાસા પર લા-નીનાની અસર થવાની સંભાવના
સામાન્ય રીતે દેશમાં ચોમાસાની 15 ઓક્ટોબર સુધીમાં વિદાય થઈ જાય છે. આવી સ્થિતિમાં તેની અસર દક્ષિણ-પશ્ચિમી ચોમાસા પર અસર થવાની સંભાવના છે. હવે આ સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે વિકસીત થઈ શકે છે. દક્ષિણ ભારતમાં ઓક્ટોબરના અંતે ઉત્તર-પૂર્વ ચોમાસું આવે છે, જેના પર લા-નીનાની અસર થઈ શકે છે.
આ પણ વાંચો : વાહન લઈને નીકળો તો ધ્યાન રાખજો! વરસાદમાં ધોવાણ બાદ ગુજરાતનાં આટલા રસ્તા બંધ