ભારત 4 વાઘ કંબોડિયા મોકલશે, આ વર્ષે વાઘનું પ્રથમવાર થશે સ્થળાંતરણ
વાઘ મોકલતા પહેલા સુરક્ષા અને ખોરાક પાણીની પૂરતી ચકાસણી થશે
વાઘોની સુરક્ષા માટે ૧૬ જેટલા રેન્જર તૈયાર કરવામાં આવી રહયા છે
નવી દિલ્હી, 24 મે, 2024, શુક્રવાર
ભારતથી એક નર અને ત્રણ માદા સહિત ચાર વાઘને કંબોડિયા મોકલવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદની સિઝન પુરી થાય પછી નવેમ્બર કે ડિસેમ્બર મહિના પહેલા વાઘ કંબોડિયા પહોંચી જશે. ભારતના વાઘોને કંબોડિયામાં કાર્ડમમ વરસાદી જંગલમાં વન્યજીવ અભયારણ્યની અંદરના 90-હેક્ટર (222-એકર) જંગલમાં મોકલવામાં આવશે, જેથી વાઘ જંગલમાં છોડવામાં આવે તે પહેલાં તેમના નવા ઘરમાં અનુકૂળ થઈ શકે છે.
કંબોડિયામાં ભારતની રાજદૂત દેવયાની ખોબરાગડે કંબોડિયામાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારત વાઘ મોકલતા પહેલા વાઘને પુરતા પ્રમાણમાં ખોરાક મળે અને તેમની સુરક્ષાને કોઇ ખતરો ના હોય તે જોવામાં આવશે. આ પ્રયોગ જો સફળ રહેશે તો આ એક ઐતિહાસિક પરિયોજના બનશે એટલું જ નહી વાઘોના સ્થળાંતરણનો દુનિયામાં પ્રથમ બનાવ હશે.
ભારતીય વાઘોના સ્વાગત માટે કંબોડિયા તૈયાર છે
કંબોડિયાના પર્યાવરણ મંત્રાલય અને વન્ય જીવોના સંરક્ષણ માટે કામ કરતા સંગઠન વાઇલ્ડ લાઇફ અલાયન્સે કંબોડિયા વાઘના આગમન માટે તૈયાર હોવાનો ભરોસો આપ્યો હતો. ભારતના વાઘનું સ્વાગત છે અહીંના મુખ્ય ક્ષેત્રમાં કોઇ પણ પ્રકારનો ખતરો નથી. વાઘોની સુરક્ષા માટે ૧૬ જેટલા રેન્જર તૈયાર કરવામાં આવી રહયા છે. વાઘોની સુરક્ષા માટે એક નીરિક્ષણ કેન્દ્ર તૈયાર કરવામાં આવશે.
શિકાર માટે જાનવરો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે એક સુરંગક્ષેત્રમાં પાણીનો સ્ત્રોત તૈયાર કરવામાં આવ્યો છે. વાઘ અને આસપાસની માનવવસ્તીની સુરક્ષા માટે મહેમાન જાનવરો પર મોનિટરિંગ ટેગ્સ લગાવવામાં આવશે. જો આ પરિયોજના સફળ રહેશે તો આવનારા પાંચ વર્ષમાં વધુ ભારતથી વધુ વાઘ લાવવામાં આવશે.
ભારતમાં વાઘની સંખ્યા 3600 કરતા પણ વધારે છે
વાઘના બહુમૂલ્ય ચામડા,વાળ અને નખ જેવા શરીરના અંગોની લાલસામાં વાઘનો શિકાર થવાથી એશિયાના મોટા ભાગના દેશોમાં વાઘો નામશેષ થયા છે. આડેધડ જંગલો કપાવાથી વાઘ માટે કુદરતી રહેઠાણ અને શિકાર પણ વાઘની વસ્તી ઘટવા માટે જવાબદાર છે. દક્ષિણ પૂર્વ એશિયામાં લાઓસ અને વિયેતનામમાં વાઘની સંખ્યા શુન્ય થઇ છે. મ્યાંમારના જંગલોમાં માત્ર 23 જેટલા વાઘ બચ્યા છે. આની સરખામણીમાં ભારતમાં વાઘોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. સેવ ટાઇગર અભિયાન હેઠળ વાઘોની સંખ્યા વધીને 3600ને પાર કરી ગઇ છે.