Get The App

ભારત વિશ્વમાં ફૂડ સુપરપાવર બનવા સક્ષમ, તો પછી વાત ક્યાં અટકી છે...

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
India Agriculture production

Image: IANS


Budget Focus on Agriculture development: અરાકુ ખીણ. નામ સાંભળ્યું છે? ન સાંભળ્યું ન હોય તો જાણી લો કે આંધ્ર પ્રદેશના પૂર્વી હિસ્સામાં આવેલી આ ખીણે કૃષિ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે. આદિવાસીઓની વસ્તી ધરાવતો આ વિસ્તાર કોઈ જમાનામાં માઓવાદી હિંસાથી ગ્રસ્ત હતો, લોકો ખૂબ ગરીબ હતા, પણ આજે અરાકુ ખીણની સકલ-સૂરત બદલાઈ ગઈ છે. કઈ રીતે આવ્યું પરિવર્તન, ચાલો જાણીએ.

અરાકુ ખીણનો ઉદય

પૂર્વીય ખીણ પર્વતમાળામાં આવેલી અરાકુ ખીણના વનવાસીઓ પેઢીઓથી પરંપરાગત ખેતી કરતા રહ્યા હતા. તેઓ ખપ પૂરતું પકવી લેતા. અંગત ઉપયોગ બાદ કંઈ વધે તો વેચીને પોતાનો જીવન વ્યવહાર ચલાવતા હતા. 1990ના દાયકામાં આ સદીઓ જૂના ખેત-ચિત્રમાં બદલાવ આવવા લાગ્યો. એ સમયગાળામાં આંધ્ર પ્રદેશની રાજ્ય સરકાર વનવાસીઓની વહારે આવી. આજીવિકા માટે જંગલોમાં વૃક્ષછેદન કરતાં લોકોને સમજાવીને વધુ માત્રામાં ખેતી કરીને આવક ઊભી કરવાની યોજના સરકારે અપનાવી. ખેડૂતોને ઝડપથી વિકસતા સિલ્વર ઓક વૃક્ષોના રોપા પૂરા પાડવામાં આવ્યા. કોફીના છોડ પણ આપ્યા. ખેડૂતો કોફીની ખેતી તરફ વળ્યા અને પરિણામ ઉત્સાહજનક મળ્યા. અરાકુ-વાસીઓએ એવી ઊંચા દરજ્જાની કોફી ઉગાડી જેના ઊંચા દામમાં ઉપજે. યુરોપના બજારોમાં આ કોફીની ભારે માંગ નીકળી, અને આજ સુધી જળવાઈ રહી છે. મોટો નફો ઓહિયાં કરી જતાં વચેટિયાઓને બદલે ખેડૂતો પોતાની ઉપજ સીધી કોફી બનાવતી ફેક્ટરીઓને વેચી શકે, એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી, જે ખૂબ કારગર નીવડી. 

ખેત ઉત્પાદન બાબતે ભારતની વર્તમાન સ્થિતિ

1960ના દાયકા સુધી ભારત અન્ય દેશોની ખાદ્ય-સહાય પર નિર્ભર હતો. એ પછી હરિત ક્રાંતિને પગલે દેશમાં ખેત ઉત્પાદન વધ્યું. એટલી હદે કે આપણે નિકાસ કરતાં થઈ ગયા. આજે દેશમાં પુષ્કળ ખેતી થાય છે, તેમ છતાં આ દિશામાં હજુ વધુ પ્રગતિ સાધી શકાય એમ છે. 

ભારતની લગભગ 44 ટકા વસ્તી કૃષિ-વ્યવસાય સાથે સંકળાયેલી છે. આટલી મોટી સંખ્યામાં વર્ક-ફોર્સ હોવા છતાં અન્ય ક્ષેત્રોની સરખામણીમાં કૃષિ દેશના જીડીપીમાં સૌથી ઓછો, 18 ટકા, ફાળો આપે છે. એનાથી વિપરીત, કૉલ સેન્ટર્સ જેવી વ્યવસાયિક સેવાઓ આપતી કંપનીઓ 1 ટકા કરતાં ઓછા કામદારોને રોજગારી આપે છે, પરંતુ એમનો હિસ્સો જીડીપીના 7 ટકા જેટલો છે. નિકાસની વાત કરીએ તો કૃષિ ક્ષેત્ર દેશની કુલ નિકાસમાં 12 ટકા યોગદાન આપે છે.

આ પણ વાંચોઃBudget 2024: સરકારે રમત-ગમત ક્ષેત્ર માટે પટારો ખુલ્લો મૂક્યો, ફાળવ્યું આટલા કરોડનું બજેટ


કૃષિ ક્ષેત્રમાં અવરોધક બળો

• ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, કઠોળ, કપાસ, શેરડી, તેલીબિયાં, તમાકુ, રબર, કોફી, ચા અને નાળિયેર જેવા પાક ભારતમાં મબલખ માત્રામાં થતા હોવા છતાં લગભગ તમામ ઉત્પાદનમાં ભારતની ઉપજ વૈશ્વિક સરેરાશ કરતાં ઓછી છે. 

• સરકાર દ્વારા મોટી માત્રામાં સબસિડી અપાતી હોવા છતાં વેચાણ-સંબંધિત નિયમો અને વેપાર પ્રતિબંધોને કારણે ખેડૂતોની કૃષિ આવક 6 ટકા જેટલી ઓછી થાય છે.

• સરેરાશ ભારતીય ખેતર માત્ર એક હેક્ટર જેટલો વિસ્તાર ધરાવે છે, જેને લીધે એક ખેડૂત પાસેથી મોટી માત્રામાં એક પાક લેવો શક્ય બનતું નથી. 

• ખેતીલાયક અડધોઅડધ જમીનને ચોમાસાનું પાણી મળે છે એ જ. એ સિવાય સિંચાઈની વ્યવસ્થા જ નથી. 

• પેરિશૅબલ ગૂડ્ઝ (નાશવંત કૃષિપેદાશ – સમય જતાં બગડી જાય એવા પાક)ના સંગ્રહ માટે કુલ ઉપજના માત્ર 10 % ઉપજ પૂરતો કોલ્ડ સ્ટોરેજ ભારતમાં ઉપલબ્ધ છે, જેને લીધે ખેતરમાંથી પાક લેવાય પછી 6 % અનાજ, 12 % શાકભાજી અને 15 % ફળ ખરાબ થઈ જાય છે. આ કંઈ જેવું તેવું નુકશાન નથી. ખેડૂતની આવકમાં ખાડો તો પડે જ છે, ભારત સરકારનું નિકાસ લક્ષ્ય પણ પાછું પડે છે. 

• ભારતની મોટાભાગની કૃષિ નિકાસ કાચી, બિનબ્રાન્ડેડ કોમોડિટી છે. દેશમાં ઉત્પાદિત કુલ ઉપજના 10 % કરતાં પણ ઓછી ઉપજને ‘ફૂડ આઇટમ’માં પરિવર્તિત કરીને એને લાંબા ગાળા સુધી સંગ્રહી અને વાપરી શકાય એવી બનાવાય છે. આ મામલે 30 % સાથે થાઈલેન્ડ અને 70 ટકા સાથે બ્રાઝિલ ભારત કરતાં ક્યાંય આગળ છે. 

Budget 2024: કેપિટલ ગેઈન્સ ટેક્સમાં વૃદ્ધિની નાના રોકાણકારો પર કોઈ અસર નહીં, જાણો કેવી રીતે

અપનાવો અરાકુ ખીણનું ઉદાહરણીય મોડલ

અરાકુ ખીણના આર્થિક ઉત્થાનનું કારણ છે ખીણના હવામાનને અનુકૂળ પાકનું વાવેતર, એની જાળવણી અને એનું યોગ્ય વેચાણ. વનવાસીઓનું જીવનધોરણ ઊંચું લાવનાર એ યોજના જેવી ખેત-ઉત્પાદન યોજનાઓ દેશભરમાં લાગુ કરી હોય તો આખા દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખેતી પ્રત્યે હકારાત્મક વલણ સર્જી શકાય. દેશ ખેતપેદાશોનો મોટો નિકાસકર્તા બની શકે. વૈશ્વિક સરેરાશ સુધી પણ પહોંચી જવાય તો ભારત અકલ્પનીય આર્થિક પરિણામો પાર પાડી શકે એમ છે.   

ખેત ઉત્પાદન વધારવા માટે લેવા જેવા પગલાં

• ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે વધુ રસ લેવો પડે. અન્ય ઉદ્યોગોની જેમ કૃષિને પણ વૃદ્ધિના એન્જિન તરીકે જોવું પડશે. 

• ભારતમાં જેટલી ખેતીલાયક જમીન છે એના પર મૂલ્યના આધારે જોઈએ તો માત્ર ત્રીજા ભાગનો જ પાક લેવાય છે. યોગ્ય યોજનાઓ અને વ્યવસ્થાપન થકી આ પ્રમાણ વધારવામાં આવે તો દેશના હાલના કૃષિ-ઉત્પાદને ત્રણ ગણું કરી શકાય એમ છે.

• સિંચાઈ નેટવર્ક વિકસાવવું પડે. સિંચાઈની અસ્પષ્ટતા મટે તો ખેડૂત એક વર્ષમાં એકથી વધુ પાક લઈ શકશે. 

• ખરીદ-વેચાણનું મજબૂર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને વ્યાપાર સુગમતા આણવી પડે. 

• પૂરતી માત્રામાં વખારો અને કોલ્ડ સ્ટોરેજ નિર્માણ કરવું પડે. 

• ફૂડ બ્રાન્ડ ઊભી કરવી પડે.

• નિકાસ વ્યાપાર વધુ સરળ અને ઝડપી બને એવા પગલાં લેવા પડે. 

સરકારી હસ્તક્ષેપ ઘટાડો

ખાદ્ય પદાર્થોના ભાવ વધે ત્યારે સરકાર નિયમિતપણે હસ્તક્ષેપ કરે છે, સરકારે એમ કરવાનું બંધ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, 2022માં ઘઉંની અને 2023માં ચોખાની નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. આવા પગલાં જ્યારે ભાવ ઊંચા હોય ત્યારે ખેડૂતોને પૈસા કમાતા અટકાવે છે. ભાવની અનિશ્ચિતતા વેપારીઓને પણ મોટી માત્રામાં માલ ખરીદવાનું જોખમ લેતાં અટકાવે છે. કમાવાના સમય જ કમાણી નહીં થવાથી કૃષિ સાથે સંકળાયેલા લોકો નાસીપાસ થાય છે. આ બાબતે સરકારે ઘટતું કરવું પડે.

ખેડૂતલક્ષી નીતિઓ અપનાવો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ખેડૂતોની આવક બમણી કરી આપવાનું વચન આપ્યું હતું, પણ કડવી હકીકત એ છે કે બહુધા એમ થઈ શક્યું નથી. સરકારની ઘણી નીતિઓ એમના ધ્યેયની વિરુદ્ધ ગઈ છે. જેમ કે, 2016ની નોટબંધી. જ્યાં મોટાભાગનો આર્થિક વ્યવહાર રોકડમાં જ થાય છે એવા ગ્રામીણ વિસ્તારોને એ નોટબંધીથી ઘણું સહન કરવું પડ્યું હતું. એ જ પ્રકારે 2020માં ખેડૂ-સમૂહોને વિશ્વાસમાં લીધા વિના જ મોદી સરકારે કૃષિ સુધારાઓનું અમલીકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જે ખેડૂતો દ્વારા ચાલેલા લાંબા વિરોધમાં પરિણમ્યો હતો.

સંશોધન ખર્ચ વધારો

ખાદ્ય અને ખાતર સબસિડી પર લગભગ 2 લાખ કરોડ રૂપિયા ખર્ચતી ભારત સરકાર કૃષિ સંશોધન અને વિકાસ પર માત્ર 95  અબજ રૂપિયા ખર્ચે છે. જીડીપીમાં કૃષિના હિસ્સા સામે આ સંશોધન ખર્ચ 0.7 % કરતાં પણ ઓછો છે. ગ્લોબલ વોર્મિંગને પાપે મોસમનો મિજાજ ગમે ત્યારે બદલાઈ જાય છે, એવી સ્થિતિમાં આગામી સમયમાં કૃષિ સંશોધન ક્ષેત્રે વધુ રકમ ફાળવીને ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે મદદ કરવામાં આવશે તો જ આ ક્ષેત્રે પ્રગતિ સાધી શકાશે. 

એક હકારાત્મક પગલું

નવી સરકારમાં કૃષિ મંત્રી તરીકે શિવરાજ સિંહ ચૌહાણની નિમણૂક કરીને નરેન્દ્ર મોદીએ ડહાપણભર્યું પગલું ભર્યું છે, કેમ કે શિવરાજ સિંહ ચૌહાણ જ્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સિંચાઈ, ગ્રામીણ રસ્તાઓ અને વખારોના નિર્માણમાં ઉલ્લેખનીય વિકાસ સાધ્યો હતો. ચૌહાણના શાસનકાળ દરમિયાન રાજ્યની કૃષિ જીડીપી 2005 અને 2023ની વચ્ચે વાર્ષિક સરેરાશ 7 % ના દરે વૃદ્ધિ પામી હતી, જે રાષ્ટ્રીય સ્તરે 3.8 %ની રહી હતી. આશા રાખીએ કે મધ્ય પ્રદેશ મેળવી એવી સિદ્ધિ શિવરાજ સિંહ ચૌહાણ સમગ્ર દેશ માટે પણ મેળવશે.

કૃષિ ક્ષેત્રની સબળતા આણશે ઘણાં હકારાત્મક પરિવર્તન

ખેડૂતોને વધુ સમૃદ્ધ બનાવવાથી ભારતના બાકીના અર્થતંત્ર માટે પણ મોટી હકારાત્મક અસર પડશે. કૃષિ રોજગારના આંકડાઓ બેરોજગારીના આંકડાને ઢાંકી દે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધવાથી નવા માલસામાન અને સેવાઓની માંગ ઊભી થશે, જેને પરિણામે દેશની આર્થિક ક્ષિતિજો વિસ્તરશે. રોજગાર માટે મોટા શહેરો તરફનો પ્રવાહ ઘટશે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટશે, શહેરોનું વ્યવસ્થાપન સરળ બનશે.

ભારત વિશ્વમાં ફૂડ સુપરપાવર બનવા સક્ષમ, તો પછી વાત ક્યાં અટકી છે... 2 - image


Google NewsGoogle News