I.N.D.I.A. દેશના બહુમતી હિન્દુઓને હાંસિયામાં ધકેલવા માગે છે, મુસ્લિમો અંગે PMએ કહી આ વાત

Updated: May 27th, 2024


Google NewsGoogle News
I.N.D.I.A. દેશના બહુમતી હિન્દુઓને હાંસિયામાં ધકેલવા માગે છે, મુસ્લિમો અંગે PMએ કહી આ વાત 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન પર દેશના બહુમતી હિન્દુઓને હાંસિયામાં ધકેલી દેવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે સરહદ પારના જેહાદીઓ 'વોટ જેહાદ'ની અપીલ કરનારા કોંગ્રેસ અને સપાને સમર્થન કરે છે. બીજીબાજુ અપના દળના ચૂંટણી ચિહ્ન કપ-પ્લેટ છે ત્યારે મોદીએ સહયોગી પક્ષ માટે લોકોનું સમર્થન માગતા કહ્યું, 'હું કપ-રકાબી ધોઈને તથા ચા પીરસીને મોટો થયો છું. મોદી અને ચા વચ્ચેનો સંબંધ બહુ ગાઢ છે.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં ઘોસી ખાતે જાહેર સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, વિપક્ષનું ઈન્ડિયા ગઠબંધન એસસી, એસટી, ઓબીસીનું અનામત ખતમ કરીને મુસ્લિમોને આપવા માગે છે અને આ રીતે તેઓ બંધારણમાં ધર્મના આધારે અનામત આપવા માગે છે. તેઓ બાબા સાહેબ આંબેડકરે લખેલા બંધારણને ફરીથી લખવા માગે છે. ઉત્તર પ્રદેશમાં ઈન્ડિયા બ્લોકના સાથીઓ સપા અને કોંગ્રેસ પર હુમલો કરતા મોદીએ કહ્યું કે, તેમણે વર્ષો સુધી પૂર્વાંચલની અવગણના કરી છે અને તેને માફિયા, ગરીબી અને અસહાય પ્રદેશ બનાવી દીધો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, સપા અને કોંગ્રેસ હિન્દુઓને જાતિઓમાં વિભાજિત કરીને તેમને નબળા પાડવા માગે છે. આ રીતે તેઓ વાસ્તવિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન બીજે ખેંચવા માગે છે. ઈન્ડિયા ગઠબંધન જીતશે તો તે બંધારણ બદલી નાંખશે અને દેશમાં ધર્મના આધારે અનામત આપશે. બીજું તેઓ એસસી, એસટી, ઓબીસી અનામતનો અંત લાવી દેશે. ત્રીજું તેઓ સંપૂર્ણ અનામત ધર્મના આધારે મુસ્લિમોને આપી દેશે. આ રીતે તેઓ બહુમતી હિન્દુઓના દેશમાં હિન્દુઓને જ હાંસિયામાં ધકેલી દેવા માગે છે.

મોદીએ રવિવારે દાવો કર્યો કે, સરહદ પારના જેહાદીઓ સમાજવાદી પક્ષ અને કોંગ્રેસને સપોર્ટ કરી રહ્યા છે, કારણ કે આ ગઠબંધન દેશમાં 'વોટ જેહાદ'ને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમનો એજન્ડા ભારતના વિકાસનો નથી, પરંતુ દેશને કેટલાક દાયકાઓ પાછળ ધકેલવાનો છે. પાકિસ્તાનમાં ઈન્ડિયા ગઠબંધન જીતે તેની દુઆ થઈ રહી છે.

દરમિયાન મોદીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં સાથી પક્ષ અપનાદળ માટે પ્રચાર કર્યો હતો. અપના દળના ચૂંટણી ચિહ્ન કપ-પ્લેટનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, મોદી અને ચાનો સંબંધ બહુ ઊંડો છે. હું બાળપણમાં કપ-રકાબી ધોઈને અને ચા પીરસીને મોટો થયો છું. તેથી કપ-રકાબી સાથે મારો સંબંધ બહુ જૂનો છે. તેમણે ઉમેર્યું કે, ઈન્ડિયા ગઠબંધનની યોજના પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાન બનાવવાની છે. તેમણે ઈન્ડિયા ગઠબંધનને ઘોર સાંપ્રદાયિક અને જાતિવાદી પણ ગણાવ્યું હતું. દેશના લોકોએ ઈન્ડિયા ગઠબંધનને ઓળખી લીધું છે.


Google NewsGoogle News