સત્યનો વિજય થશે, ન્યાય થશે : ન્યાય યાત્રા પહેલા રાહુલ ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર
નવી દિલ્હી,તા. 12 જાન્યુઆરી 2024, શુક્રવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરતા પહેલા ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને PM નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
શુક્રવારે રાહુલ ગાંધીએ દેશના યુવાનોને સંબોધિત કરતા કહ્યું કે, “દેશના યુવાનો! આજે રાષ્ટ્રીય યુવા દિવસ પર, આપણે સ્વામી વિવેકાનંદના વિચારોને ફરીથી યાદ કરવાની જરૂર છે. તેમણે યુવા શક્તિને સમૃદ્ધ દેશનો આધાર અને પીડિત અને ગરીબોની સેવાને સૌથી મોટી તપસ્યા ગણાવી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું, “યુવાનોએ વિચારવું પડશે કે, આપણા સપનાના ભારતની ઓળખ શું હશે? જીવનની ગુણવત્તા કે, માત્ર લાગણીશીલતા? ઉશ્કેરણીજનક નારા લગાવતા યુવાનો કે નોકરી કરતા યુવાનો? પ્રેમ કે નફરત? આજે વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવીને ભાવનાત્મક મુદ્દાઓનો રાજકીય રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જે દેશની જનતા સાથે વિશ્વાસઘાત છે. વધતી બેરોજગારી અને મોંઘવારી વચ્ચે યુવાનો અને ગરીબો શિક્ષણ, કમાણી અને દવાઓના બોજથી દબાઈ રહ્યા છે અને સરકાર તેને 'અમૃત કાળ' બતાવીને ઉજવણી કરી રહી છે. સત્તાના ઘમંડના નશામાં ધૂત શહેનશાહ જમીની વાસ્તવિકતાથી ઘણો દૂર થઈ ગયા છે.”
'સત્યનો વિજય થશે, ન્યાય થશે'
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી મણિપુરથી શરૂ થવાની છે ત્યારે રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, અન્યાયના આ વાવાઝોડામાં ન્યાયની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે, સ્વામી વિવેકાનંદજીના ઉપદેશોમાંથી પ્રેરણા લઈને, જ્યાં સુધી તેમને ન્યાયનો અધિકાર ન મળે ત્યાં સુધી કરોડો યુવા 'ન્યાય યોદ્ધાઓ' મારી સાથે આ સંઘર્ષમાં જોડાઈ રહ્યા છે. સત્યનો વિજય થશે, ન્યાયનો વિજય થશે!