I.N.D.I.A. ગઠબંધનની મુશ્કેલી ઘટી, તમિલનાડુ-પુડ્ડુચેરીમાં બેઠક વહેંચણી અંગે સમજૂતી થઈ!
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 09 માર્ચ 2024 શનિવાર
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને I.N.D.I.A ગઠબંધનમાં બેઠક વહેંચણીની સમસ્યા દૂર થતી જોવા મળી રહી છે. યુપી, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ગુજરાત, ગોવા બાદ હવે ગઠબંધને તમિલનાડુ અને પુડુચેરીમાં પણ બેઠક વહેંચણી પર સમજૂતી કરી દીધી છે. ટૂંક સમયમાં જ શેરિંગ ફોર્મ્યુલાનું એલાન કરવામાં આવશે. ચર્ચા છે કે તમિલનાડુ અને પુડુચેરીને લઈને ઈન્ડિયા ગઠબંધનના પ્રમુખ દળ એટલે કે કોંગ્રેસ અને ડીએમકે આજે સાંજે ચેન્નઈમાં બેઠક વહેંચણીની જાહેરાત કરી શકે છે.
તમિલનાડુ કોંગ્રેસના પ્રમુખ અજય કુમાર અને સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ શનિવારે સાંજે ચેન્નઈમાં સીએમ સ્ટાલિનને મળશે અને જે બાદ બેઠક વહેંચણીનું એલાન થઈ શકે છે. કોંગ્રેસને તમિલનાડુની 39માંથી 9 અને પુડુચેરીની 1 બેઠક મળી શકે છે. ડીએમકે 9 બેઠક વામ દળો અને અન્ય નાના દળોને આપશે.
સૌથી વધુ બેઠક વાળા પ્રદેશમાં પણ વાત બની ચૂકી છે
એક મહિના પહેલા સુધી I.N.D.I.A ગઠબંધનની સામે સૌથી મોટો પડકાર બેઠક શેરિંગનો હતો. જોકે ફેબ્રુઆરીના અંતમાં કોંગ્રેસ અને તેના સહયોગી દળોએ મળીને બેઠક શેરિંગની ફોર્મ્યુલા નક્કી કરી લીધી. આ દરમિયાન બેઠકની દ્રષ્ટિએ સૌથી મોટુ રાજ્ય યુપીમાં કોંગ્રેસ અને સપાની વચ્ચે બેઠક વહેંચણી પર ફાઈનલ મોહર લાગી. ઉત્તર પ્રદેશની સાથે-સાથે કોંગ્રેસ અને AAP મધ્ય પ્રદેશમાં પણ મળીને ચૂંટણી લડશે. ઈન્ડિયા ગઠબંધનમાં સમજૂતી હેઠળ યુપીની 80 લોકસભા બેઠકોમાં સપા 63 બેઠકો પર ચૂંટણી લડશે તો કોંગ્રેસ 17 બેઠક પર ચૂંટણી લડશે. સપાએ યુપીમાં કોંગ્રેસને 17 બેઠકો આપી છે તો તેના બદલે કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં એક બેઠક સપાને આપી છે.
પંજાબ સિવાય અન્ય સ્થળે AAP સાથે પણ થઈ ચૂકી છે સમજૂતી
આ સિવાય કોંગ્રેસે ગયા મહિને જ આમ આદમી પાર્ટી (AAP) ની સાથે પણ બેઠક શેરિંગ પર સંમતિ બનાવી દીધી હતી. બંને દળોએ જ્યાં પંજાબમાં અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે તો દિલ્હી, હરિયાણા, ગુજરાત, ગોવા, આસામ અને ચંદીગઢ સહિત દેશના અન્ય રાજ્યોમાં બંને પાર્ટીઓ મળીને ચૂંટણી લડશે. દિલ્હીની સાત લોકસભા બેઠકોમાંથી ચાર બેઠક પર આમ આદમી પાર્ટી હશે તો ત્રણ બેઠક કોંગ્રેસના ભાગમાં આવી છે.