ઈરાને ઈઝરાયલનું જે જહાજ જપ્ત કર્યું તેના પર સવાર હતા 17 ભારતીય, ભારત આવ્યું એક્શનમાં
Image Source: Twitter
17 indians onboard ship taken over by iran: સીરિયાની રાજધાની દમાસ્કસમાં આ મહિનાની શરૂઆતમાં ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડના બે વરિષ્ઠ જનરલ માર્યા ગયા બાદ વળતા હુમલાની ધમકીના ભાગરૂપે ઈરાને શનિવારે હોર્મુઝની ખાડીમાં ભારત આવતા ઈઝરાયેલના જહાજ પર કબજો કરી લીધો હતો. ઈરાની સશસ્ત્ર દળોએ ઈઝરાયેલના કન્ટેનર જહાજને કબજે કર્યા બાદ ભારત એક્શનમાં આવી ગયુ છે. કારણ કે, આ જહાજમાં 17 ભારતીયો સવાર છે. આ મામલે ભારતે કહ્યું કે તે ઈરાન સાથે સતત સંપર્કમાં છે. ભારતે ઈરાનમાંથી ભારતીયોને વહેલી તકે મુક્ત કરવાની માગ કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાની દળો દ્વારા કબજે કરવામાં આવેલા જહાજની ઓળખ થઈ ગઈ છે. આ જહાજ કથિત રીતે ભારતના રસ્તામાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના એક બંદરેથી રવાના થયું હતું. એક અહેવાલ પ્રમાણે આ જહાજ લંડન સ્થિત ઝોડિયાક મેરીટાઈમ સાથે સબંધિત છે જે ઈઝરાયેલના અબજોપતિ ઈયાલ ઓફર અને તેમના પરિવાર દ્વારા સંચાલિત જોડિયાક સમૂહનો એક હિસ્સો છે.
ભારત ઈરાનના સંપર્કમાં
ભારતના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ભારતને જાણ હતી કે ઈરાન દ્વારા કબજે કરવામાં આવેલા કાર્ગો જહાજમાં લગભગ 17 ભારતીય નાગરિકો સવાર હતા. સૂત્રોએ જણાવ્યું કે, અમે ભારતીય નાગરિકોની સલામતી, કલ્યાણ અને વહેલી મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ઈરાન અને ભારત બંને દેશમાં રાજદ્વારી ચેનલોના માધ્યમથી ઈરાની અધિકારીઓના સંપર્કમાં છીએ.
ઈરાને ઈઝરાયેલ પર કર્યો હુમલો
હવે ઈરાને શનિવારની મોડી રાત્રે ઈઝરાયેલની સરહદ પર પહેલો સીધો હુમલો કર્યો છે. હવે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવાથી ક્ષેત્રમાં તણાવ વધવાનો ખતરો વધી ગયો છે. અહેવાલ અનુસાર, ઈઝરાયેલમાં મોડી રાત્રે અચાનક સાયરન વાગવા લાગ્યા અને પછી જોરદાર ગડગડાટ અને વિસ્ફોટનો અવાજ સંભળાવા લાગ્યો હતો. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના તાત્કાલિક સમાચાર સામે નથી આવ્યા. ઈઝરાયેલે કહ્યું કે ઈરાન દ્વારા 100થી વધુ ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે.