ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર
Rafale-M fighter jets India : તાજેતરમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. તણાવભર્યા આ માહોલમાં ભારત પાકિસ્તાન પર હુમલો કરશે એવી શક્યતા પ્રબળ બની રહી છે એવામાં ભારતના નૌકાદળને લઈને એ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે અને તે એ કે ભારત ફ્રાન્સ પાસેથી 63,887 કરોડ રૂપિયાના રાફેલ ફાઈટર જેટ વિમાન ખરીદવા જઈ રહ્યું છે.
ભારતને કેટલા રાફેલ મળશે?
6.6 બિલિયન યુરો એટલે કે 63,887 કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને 22 નંગ સિંગલ-સીટ રાફેલ-એમ (Rafale-M) જેટ અને 4 નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ 26 નંગ પ્લેન મળશે. એ ઉપરાંત આ રકમમાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂને આપવામાં આવનારી તાલીમ, વિમાનોની જાળવણી સહાય તથા પાંચ વર્ષ માટે પ્રદર્શન-આધારિત લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના દ્વારા હાલમાં જે 36 નંગ રાફેલ વિમાનો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે એના સ્પેરપાર્ટ્સ અને સાધનોનો પણ આ ડીલનાં સમાવેશ થાય છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સંરક્ષણ સોદો છે.
સોદો ક્યારે થશે?
ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ 27 એપ્રિલે ભારત આવવાના હતા, પણ આતંકવાદી હુમલાને લીધે સર્જાયેલી તંગદિલીને લીધે તેમણે ભારતની યાત્રા મુલતવી રાખી હતી. તેથી હવે બંને દેશોના વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓ 28 એપ્રિલ, સોમવારના રોજ નવી દિલ્હીમાં મળશે અને સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરશે. બંને દેશના સંરક્ષણ પ્રધાનો વિડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી આ મીટિંગમાં હાજર રહેશે.
ભારતને રાફેલ ક્યારે મળશે?
રાફેલ જેવા અત્યાધુનિક ફાઈટર જેટ પ્લેનના નિર્માણ અને પરીક્ષણમાં ખાસ્સો સમય લાગતો હોવાથી વર્તમાન સોદાની ડિલિવરી મેળવવા માટે ભારતે ઓછામાં ઓછા ચાર વર્ષ રાહ જોવી પડશે. પહેલો બેચ 2029 ના અંત સુધીમાં મળવાની અપેક્ષા છે, જ્યારે સમગ્ર ઓર્ડર 2031 સુધીમાં પૂરો પાડવામાં આવશે. આ વિમાનો INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત જેવા વિમાનવાહક જહાજો પરથી સંચાલિત થશે.
શું છે રાફેલની ખાસિયતો?
રાફેલ જેટ એક મલ્ટિ-રોલ ફાઈટર વિમાન છે, જે વિવિધ પ્રકારના મિશન પાર પાડી શકે છે. તેની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે.
- મલ્ટિરોલ ક્ષમતા: રાફેલ એર ટુ એર (આકાશમાં દુશ્મન વિમાનો સાથે લડવા) અને એર ટુ લેન્ડ (આકાશમાંથી જમીન પરના લક્ષ્યાંકો પર) હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. તે દુશ્મનના દરિયાઈ જહાજો પર પણ હુમલો કરી શકે છે અને જાસૂસી મિશનો પણ પાર પાડી શકે છે.
- ચીલ ઝડપ: રાફેલ મહત્ત્મ 1,912 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. ઊંચાઈ મેળવવાની દ્રષ્ટિએ રાફેલ વિશ્વનું સૌથી અદ્યતન ફાઈટર એરક્રાફ્ટ છે. તે ફક્ત એક જ મિનિટમાં 18000 મીટર એટલે કે 18 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી જાય છે.
- લાંબુ અંતર કાપવાની ક્ષમતાઃ રાફેલની ‘કોમ્બેટ રેન્જ’ (હુમલા માટે દુશ્મન ક્ષેત્રમાં જઈને પાછા ફરવાની રેન્જ) લગભગ 1,850 કિલોમીટર છે. તેની ‘ફેરી રેન્જ’ (ઈંધણ ટાંકીઓ પૂરેપૂરી ભર્યા પછી સળંગ ઉડવાની રેન્જ) 3,700 કિલોમીટર જેટલી છે.
- અત્યાધુનિક એવિઓનિક્સ: રાફેલ અદ્યતન એવિઓનિક્સ સિસ્ટમ્સ ધરાવે છે, જે એની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
- વ્યાપક શસ્ત્રાગાર: રાફેલ વિમાન અનેક પ્રકારના હળવા અને વજનદાર મારક શસ્ત્રોનું વહન કરી શકે છે. તે પરમાણુ શસ્ત્રો વાપરવાની ક્ષમતા પણ ધરાવે છે.
- હવામાં ઇંધણ ભરવાની ક્ષમતા: હવામાં ઉડતું હોય ત્યારે પણ રાફેલમાં ઈંધણ ભરી શકાય છે, જેને લીધે તે લાંબા સમય સુધી હવામાં સવાર રહી શકે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આ બહુ ઉપયોગી પાસું સાબિત થઈ શકે છે.
- સાંકડી જગ્યામાં ઉતરવાની ક્ષમતા: રાફેલ સાંકડી જગ્યામાં ઉતરાણ કરવામાં સક્ષમ છે, જેને લીધે તેનું સંચાલન નાના હવાઈ મથકો અને વિમાનવાહક જહાજો પરથી પણ સલામતિપૂર્વક કરી શકાય છે.
- વિષમ હવામાન પરિસ્થિતિઓમાં પણ કાર્યક્ષમ છે: વિષમ હવામાન હોય ત્યારે પણ રાફેલ ઉડાન ભરવા અને સલામત લેન્ડિંગ કરવા માટે સક્ષમ છે.
- ડિઝાઈન સુવિધાઓ: રાફેલમાં ડેલ્ટા વિંગ્સ અને ટ્વીન એન્જિન છે, જે તેને વધુ સારી ગતિ અને સંચાલન ક્ષમતા આપે છે.
ભારતની સૈન્ય શક્તિમાં જોરદાર વધારો થશે
ભારતીય વાયુસેના પાસે હાલમાં 36 રાફેલ જેટ છે, જે અંબાલા (હરિયાણા) અને હાશીમારા (પશ્ચિમ બંગાળ) ખાતેની બે સ્ક્વોડ્રનમાં વહેંચાયેલા છે. યુદ્ધકળાની દૃષ્ટિએ જોઈએ તો રાફેલ ખૂબ જ ‘ગુણવાન’ ફાઈટર જેટ છે, તેથી નવા રાફેલના સમાવેશથી ભારતના નૌકાદળની શક્તિમાં ખાસ્સો વધારો થશે. ચીન અને પાકિસ્તાન પાસે આ લાખેણું ફાઈટર જેટ નથી. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી દાદાગીરી સામે ઝીંક ઝીલવા માટે રાફેલ ભારતીય નૌકાદળને મજબૂત ટેકો આપશે.