દેશમાં નવી ટોલ સિસ્ટમનો ગમે ત્યારે અમલ શરુ થાય તેવી સંભાવના, જાણો ફાયદો થશે કે નુકસાન
Toll Collection System: ભારતના વિરાટ કાય રોડ નેટવર્ક પર ટોલ ટેક્સના કલેક્શન માટે જીએનએએસ-ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમનો હવે ગમે ત્યારે અમલ શરૂ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. આ સિસ્ટમ અમલમાં આવી જતાં કોઈપણ જાતના રોકાણ વિના જ ટ્રક અને પેસેન્જર વેહિકલ કે પછી કોમર્શિયલ વેહિકલ અવિરત પ્રવાસ કરી શકશે. આ નવતર સિસ્ટમનો અમલ કરવાને મુદ્દે નવી સરકાર આવી જતાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હોવાનું ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે. આ નેવિગેશન સિસ્ટમને એક્ચ્યુઅલ વર્ચ્યુઅલ ટોલિંગ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મિટિંગમાં પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.
જીએનએસએસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે
ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ જીએનએસએસની મદદથી ચાલતી સિસ્ટમનો ઉપયોગ કરીને વાહનો અવિરત પ્રવાસ કરતાં રહે અને તેમણે ભરવાનો થતો ટોલ ટેક્સ કપાતો રહે તેવી વ્યવસ્થા અમલમાં લાવવામાં આવી રહી છે. પરિણામે કોઈપણ ટ્રક કે પેસેન્જર વ્હીકલ રાષ્ટ્રીય કે રાજ્યના ધોરી માર્ગો પર ટોલ ટેકસ જમા કરાવવા માટે રોકાવું પડશે નહિ.
આ સિસ્ટમમાં વર્ચ્યુઅલ ટોલબૂથ જ હશે
અત્યારની ફાસ્ટ ટેગ સિસ્ટમથી જીએનએસએસની સિસ્ટમ અલગ પડે છે. ફાસ્ટ ટેગમાં વેહિકલ ટ્રેકિંગમાં ટોલબૂથની જરૂર પડે છે. પરંતુ જીએનએસએસમાં ટોલબૂથની જરૂર પડશે નહિ. રસ્તા પર વર્ચ્યુઅલ ટોલબૂથ જ હશે. વાસ્તવમાં કોઈ જ ટોલબૂથ ફિઝિકલ સ્વરૂપમાં હશે નહિ. આ વર્ચ્યુઅલ ટોલબૂથ વાહનને કેટલું અંતર તે રોડ પર કાપ્યુ તેને આધારે તેના કુલ ટોલ ટેક્સના પ્રોરેટાના પ્રમાણમાં જ ટોલ કાપશે.
કિલોમીટર મુજબ જ ટેક્સ કપાશે
બીજા શબ્દોમાં કહેવામાં આવે તો રૂ. 100નો ટોલ ટેક્સ ધરાવતા 50 કિલોમીટરના રસ્તા પર માત્ર 20 કિલોમીટર જેટલું અંતર જ કાપ્યું હોય તો તે વાહનના માલિકના એકાઉન્ટમાંથી માત્ર 20 કિલોમીટરના રૂ. 40 જ કપાશે. રૂ. 100નો સંપૂર્ણ ટોલ ટેક્સ કપાશે નહિ. અમદાવાદ વડોદરાના એક્સપ્રેસ વે પર નડિયાદ અને આણંદના બે એક્ઝિટ છે. તેના પ્રમાણમાં અલગ અલગ ટોલ ટેક્સ લેવાય છે. વર્ચ્યુઅલ ટોલબૂથ પાંચ કિલોમીટર રોડ વાપરનાર પાસે માત્ર રૂ.5નો ટોલ ટેક્સ જ વસૂલશે.
વર્ચ્યુઅલ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી
પરંતુ તેમાં અત્યાર સુધી ટોલ ફ્રી ફરનારા વાહનચાલકો પણ ટોલને પાત્ર બની જવાનો ખતરો રહેલો છે. હા, તેને માટે જીએનએસએસ આધારિત સિસ્ટમ લગાડવી પડશે. આ સિસ્ટમ હશે તો જ વર્ચ્યુઅલ બૂથ તેનું મોનિટરિંગ કરી શકશે. પરિણામે જીએનએસએસ આધારિત વાહનો ન હોય તેમને કદાચ તે રોડ પર એન્ટ્રી પણ ન મળે તેવી સંભાવના રહેલી છે. વર્ચ્યુઅલ બૂથ વાહનની એન્ટ્રીથી માંડીને એક્ઝિટ સુધીનો સંપૂર્ણ રસ્તો માપીને ટોલ ટેક્સ તેના ખાતામાંથી કાપી લેશે. વર્ચ્યુઅલ રજિસ્ટ્રેશન માટે જીએનએસએસ સિસ્ટમ ઉપરાંત વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને બેન્ક એકાઉન્ટની ડિટેઈલ પણ આપવી પડશે.
આ સિસ્ટમમાં વાહનોએ લાઈનમાં નહિ ઉભું રહેવું પડે
ફાસ્ટ ટેગથી હજીય હાઈવે પર લાગતી લાઈનો ઓછી થતી નથી. તેથી આ નવતર સિસ્ટમ દાખલ કરવાનું આયોજન થઈ રહ્યું છે. જીએનએસએસની સિસ્ટમમાં વાહનો કોઈપણ જાતના રોકાણ વિના પસાર થઈ શકશે. આરંભમાં થોડી લેનને જીએનએસએસ સિસ્ટમ પર ચઢાવવામાં આવશે. સમય જતાં તમામ લેનોને જીએનએસએસ હેઠળ આવરી લેવામાં આવશે.
ટ્રાફિક જામ થવાની સમસ્યા હળવી થઈ જશે
તેનાથી હાઈવેના ટોલ બૂથ પર રોકાણનો સરેરાશ સમય 714 સેકન્ડનો એટલે કે અંદાજે 12 મિનિટનો છે તે ઘટીને માત્ર 47 સેકન્ડનો જ થઈ જવાનો અંદાજ છે. તેનાથી ટ્રાફિક જામ થવાની સમસ્યા હળવી થઈ જશે. તેમ જ વધારાની લેન પણ બનાવવાની જફા કરવી પડશે નહિ. હાઈવે પર જોવા મળતા તોતિંગ ટોલબૂથ રહેશે નહિ.
નવી ટોલ સિસ્ટમથી ફાયદો થશે કે નુકસાન થશે
અખિલ ગુજરાત ટુક ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશનના પ્રમુખ મુકેશ દવેનું કહેવું છે: ‘જીએનએસએસની સિસ્ટમ અમલમાં આવવાથી ફાયદો કરતાં નુકસાન થવાની સંભાવના વધારે છે. નારોલ ચાર રસ્તાથી ટોલ રોડ ચાલુ થાય છે. તેનો પહેલો ટોલબૂથ 25 કિલો મીટર દૂર ખેડા પર આવે છે. નારોલથી ખેડા વચ્ચે વાહન ચલાવનારાઓને અત્યારે ટોલ ટેક્સ ભરવાનો આવતો નથી. પરંતુ નવી સિસ્ટમમાં તેના પર એન્ટ્રી લે એટલે ટેક્સ લાગી જશે. અત્યારે ટોલબૂથ ક્રોસ કરો તો જ ટોલ ટેક્સ લાગે છે. હવે નવી સિસ્ટમમાં ટોલ બૂથ આવે કે ન આવે તેના પર પ્રવેશ કરતાં વેંત ટોલ ટેક્સ લાગી જશે.
આવો જ બીજો એક માર્ગ વાસદ અને ખેડાની વચ્ચેના 50 કિલોમીટરનો રોડ છે. તેના પર અત્યારે ટોલ ટેક્સ વિના જ લોકો ફરી રહ્યા છે. હવે તે રોડ પર પગ મૂકતાં વેંત તે વાહન ચાલક પર ટોલ ટેક્સ લાગુ પડી જશે. જીપીએસથી ગણતરી કરતાં તેમને માથે ટોલટેક્સનો બોજો જેટલીવાર જશે અને આવશે તેટલીવાર આવી જશે. અત્યારે તેઓ ટોલબૂથ ક્રોસ નથી કરતાં તેથી ટોલ લાગતો નથી. હવે લાગશે.' આ પ્રકારના ભારતમાં 400 ટોલરોડ અને 813 ટોલ બૂથ છે. આ રોડ અને ટોલબૂથ વચ્ચે અત્યારે ટોલ ટેક્સ લેવાતો નથી. તેથી આ એરિયાને અત્યારે ટોલ ફ્રી એરિયા તરીકે જોવામાં આવે છે. હવે તેના પર પગ મૂકનારા દરેકને માથે ટોલ ટેક્સની જવાબદારી આવી જશે.