ભારતે અમેરિકાને સંભળાવી 'ખરી-ખોટી', પન્નુની હત્યાના પ્રયાસમાં સંડોવણીના આરોપો અંગે આપ્યો જવાબ
Image: Facebook
Gurpatwant Singh Pannun Case: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્રના મામલે અમેરિકી મીડિયાએ ભારતની ગુપ્ત એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો પર આરોપ લગાવ્યો છે.
એક પોસ્ટ દ્વારા કથિત રીતે પન્નુને ખતમ કરવાનું ષડયંત્ર રચવા માટે એક ભારતીય અધિકારીનું નામ જણાવવા બાબતે ભારતે પણ અમેરિકાને ખરી-ખોટી સંભળાવી છે. આરોપના એક દિવસ બાદ ભારતે કહ્યું કે રિપોર્ટમાં એક ગંભીર મામલે અયોગ્ય અને નિરાધાર આરોપ લગાવવામાં આવ્યા છે. એક પોસ્ટે અજાણ્યા સોર્સનો હવાલો આપતા પન્નુની હત્યાના કથિત ષડયંત્રના સંબંધમાં એક રો અધિકારીનું નામ લીધું.
પોસ્ટના રિપોર્ટ પર વિદેશ મંત્રાલયે આપ્યુ નિવેદન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યુ કે સંબંધિત રિપોર્ટ એક ગંભીર મામલે અયોગ્ય અને નિરાધાર આરોપ લગાવે છે. જયસ્વાલે આગળ કહ્યું, 'સંગઠિત અપરાધીઓ, આતંકવાદીઓ અને અન્ય લોકોના નેટવર્ક પર અમેરિકી સરકાર દ્વારા શેર કરવામાં આવેલી સુરક્ષા ચિંતાઓને જોવા માટે ભારત સરકાર દ્વારા રચિત ઉચ્ચ સ્તરીય સમિતિની તપાસ ચાલી રહી છે'.