ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લાં કેટલાક દિવસથી આ મામલે થઇ રહ્યો છે વિવાદ, જાણો શું છે ઘટના
ભારતના વાંધા છતાં અમેરિકાનું કેજરીવાલ અને કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ મામલે ફરી મોટું નિવેદન
US And INDIA Relation | અમેરિકાએ ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા અમેરિકન રાજદ્વારીને બોલાવાતા અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમે અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરવા મામલે ચાંપતી નજર રાખી રહ્યા છીએ.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહી આ વાત...
મિલરે કહ્યું કે અમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સહિતની આ કાર્યવાહીઓ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમને એ પણ ખબર છે કે કોંગ્રેસ પાર્ટીના કેટલાક બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. અમે ન્યાયી, પારદર્શક, સમયસર કાનૂની પ્રક્રિયાને પ્રોત્સાહન આપતા રહીશું. અમને નથી લાગતું કે આની સામે કોઈને વાંધો હોવો જોઈએ.
ભારતે આપ્યો હતો જડબાતોડ જવાબ છતાં....
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા પણ અમેરિકાએ આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. અમે મુખ્યમંત્રી કેજરીવાલ માટે પારદર્શક કાયદાકીય પ્રક્રિયાની અપેક્ષા રાખીએ છીએ. ભારતે અમેરિકાના આ નિવેદનનો સખત વિરોધ કર્યો હતો. ભારતે બુધવારે અમેરિકન રાજદ્વારી ગ્લોરિયા બાર્બેનાને સમન્સ પાઠવ્યું હતું. આ દરમિયાન ભારતે કહ્યું કે અમેરિકાએ અમારા આંતરિક મામલામાં દખલ ન કરવી જોઈએ. અમે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવીએ છીએ.