ભારતનું સંરક્ષણ ક્ષેત્રે ગજબનું કારનામું, 2023-24માં 21 હજાર કરોડના હથિયારોની નિકાસ કરી
Indian Defense Sector Growth : ભારત સંરક્ષણ ક્ષેત્રે સતત મજબૂત બનતું જઇ રહ્યું છે. વર્ષ 2023-24માં ભારતે 21 હજાર કરોડના હથિયારોની નિકાસ કરી છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયમાં એક કાર્યક્રમ દરમિયાન આ સિદ્ધિ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, હથિયારોની નિકાસ કરવામાં ભારત હવે દુનિયાના ટોચના 25 દેશોમાં સામેલ થઇ ગયો છે.
દેશ સંરક્ષણ ક્ષેત્રે મજબૂત બન્યું
નિર્મલા સીતારમણે કહ્યું કે, વર્ષ 2015થી 2019 સુધી ભારત વિશ્વનો બીજો સૌથી મોટો હથિયારોનું આયાતકાર દેશ હતું. હવે 100થી વધુ કંપનીઓ બ્રહ્મોસ મિસાઇલ, પિનાકા રોકેટ સિસ્ટમ અને ડોર્નિયર એરક્રાફ્ટ જેવા હથિયારોનું નિકાસ કરી રહી છે. વર્ષ 2013-14માં ભારતે 686 કરોડ રૂપિયાના હથિયારોની નિકાસ કરી હતી. જે વર્ષ 2023-24માં વધીને 21,083 કરોડ રૂપિયા થઇ ગઇ હતી. આમ ભારતે એક દશકમાં 30 ગણો વધુ હથિયારોની નિકાસ કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
આ પણ વાંચોઃ સરહદ પર તણાવ: ભારતે બાંગ્લાદેશ સરકારને આપ્યો જડબાતોડ જવાબ
1.27 લાખ કરોડના શસ્ત્રોનું ઉત્પાદન
સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી શસ્ત્રોના ઉત્પાદનમાં વધારા અંગે નાણામંત્રીએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2023-24માં દેશમાં 1.27 લાખ કરોડ રૂપિયાના શસ્ત્રોનું ઉત્પાદન થયું હતું. ભારત જેવા મોટા દેશ માટે સુરક્ષા ફક્ત સરહદોની સંભાળ રાખવા વિશે નથી. આજે ટેકનોલોજી સીમાઓની રાહ જોતી નથી. ઉત્પાદકતા વધારવા માટે ટેકનોલોજી ઉપલબ્ધ છે, પણ કેટલાક સ્વાર્થી હિતો અને નકારાત્મક શક્તિઓ દ્વારા તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે.
સીતારમણે કહ્યું કે, 'ભારતનો વિકાસ કેટલાક 'લોકોને' પસંદ નહીં આવે. ભારત આપણા બધા સ્પર્ધકોની નજરમાં વિકાસ કરી રહ્યું છે. ભારત એવા લોકોની નજરમાં પણ વિકાસ કરી રહ્યું છે કે જેઓ માનતા હતા કે ઉભરતી લોકશાહી માટે આટલી વૃદ્ધિ આશ્ચર્યજનક છે.'
આ પણ વાંચોઃ સેના માટે દોઢ લાખ કરોડની ડીલની તૈયારી! ફાઇટર જેટ, સબમરીન, હેલિકોપ્ટર આવશે ભારત