જાહેરમાં ટિપ્પણી કરતાં પહેલા ચેતજો: વિવાદિત પોસ્ટ મામલે બાંગ્લાદેશ પર ભડક્યું ભારત
Bangladesh Violence : બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારના સલાહકાર મહફૂઝ આલમે વિવાદાસ્પદ પોસ્ટ કરતાં હોબાળો થયો છે. ત્યારબાદ આલમની ફેસબુક પોસ્ટને હટાવી દેવામાં આવી છે. વાસ્તવમાં આલમે પોસ્ટમાં કહ્યું હતું કે, ‘ભારતે તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાને રાજીનામું આપવા મજબૂર કરનાર વિદ્રોહને માન્યતા આપવી જોઈએ.’ હવે આ મામલે ભારતે બાંગ્લાદેશનો જડબાતોડ જવાબ આપ્યો છે.
ભારતે બાંગ્લાદેશને આપ્યો જડબાતોડ જવાબ
બાંગ્લાદેશની વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કડક શબ્દોમાં કહ્યું છે કે, ‘અમે આ મુદ્દાનો બાંગ્લાદેશ સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે. અમે માનીએ છીએ કે, જે પોસ્ટનો ઉલ્લેખ થઈ રહ્યો છે, તેને કથિત રીતે હટાવી દેવાઈ છે. પરંતુ અમે તમામ સંબંધી પક્ષોને યાદ અપાવવા માંગીએ છીએ કે, ‘તેઓ પોતાની જાહેર ટિપ્પણી મામલે સચેત રહે. કારણ કે ભારતે બાંગ્લાદેશના લોકો અને વચગાળાની સરકાર સાથે વારંવાર સંબંધોને પ્રોત્સાહન આપવાનો રસ દાખવ્યો છે. પરંતુ આવી ટિપ્પણીઓ જાહેર અભિવ્યક્તિમાં જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂકે છે.’
બાંગ્લાદેશમાં 2024માં હિન્દુઓ પર 2200 હુમલા થયા
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં સત્તા પલ્ટો થયા બાદ હિન્દુઓ પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યાં અવારનવાર હિન્દુઓ અને મંદિરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ભારત સરકાર સહિત ભારતીયો પણ ચિંતિત છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ડેટા મુજબ 2022ની તુલનાએ 2024માં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની ઘટના 400 ટકા વધી છે. વિદેશ મંત્રાલયે આજે રાજ્યસભામાં ડેટા રજૂ કરી ખુલાસો કર્યો છે કે, ‘બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનું પતન થયા બાદ ત્યાં વર્ષ 2024માં હિન્દુઓ પર હુમલાના 2200 કેસ નોંધાયા છે.’ મંત્રાલયે કહ્યું કે, ‘અમે બાંગ્લાદેશને પત્ર લખ્યો છે, જેમાં તેમની સંબંધી સરકારોને હિન્દુઓની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા કહ્યું છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર ગંભીર
ભારતીય વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિને ગંભીરતાથી લીધી છે. સરકારે બાંગ્લાદેશની સરકાર સાથે પોતાની ચિંતાઓ શેર કરી છે. ભારતને આશા છે કે, બાંગ્લાદેશની સરકાર હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં ભરશે.
બાંગ્લાદેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં હિન્દુઓ પર કેટલા હુમલા થયા, જુઓ ડેટા
વિદેશ મંત્રાલયના ડેટા મુજબ, બાંગ્લાદેશમાં 2022માં હિન્દુઓ વિરુદ્ધ હિંસાની 47 ઘટના નોંધાઈ હતી. જ્યારે 2023માં 302 અને 2024(8 ડિસેમ્બર-2024 સુઘી)માં 400 ટકા વધીને 2200 ઘટનાઓ નોંધાઈ છે. પાકિસ્તાનમાં 2022માં હિન્દુઓ વિરુદ્ધ અત્યાચારના 241 કેસ નોંધાયા હતા, જ્યારે 2023માં 103 અને 2024 (ઑક્ટોબર સુધી)માં 112 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : અમેરિકામાં શટડાઉનનો ખતરો! સેલેરી માટે પૈસા નહીં, બંધ થઈ જશે અનેક સરકારી ઓફિસ