‘પહેલા પોતાના દેશની સ્થિતિ સુધારો’ ટ્રેન હાઈજેક મુદ્દે પાકિસ્તાનના આક્ષેપનો ભારતે આપ્યો જવાબ
Balochistan Train Hijack : પાકિસ્તાને બલુચિસ્તાનમાં ટ્રેન હાઈજેક થવાની ઘટનામાં ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યા બાદ ભારત સરકારે વળતો જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી રદીયો આપ્યો છે. જ્યારે બલુચિસ્તાનમાં ટ્રેન હાઈજેક થઈ ત્યારે પાકિસ્તાને પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવી હતી, ત્યારબાદ તેણે ભારત પર નિશાન સાધ્યું હતું.
પાકિસ્તાને ભારત પર કરેલા આક્ષેપો પાયાવિહોણા : વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે કે, ‘પાકિસ્તાને ભારત પર કરેલા નિરાધાર આક્ષેપો પાયાવિહોણા છે. સમગ્ર વિશ્વ જાણે છે કે, વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં આવેલું છે. પાકિસ્તાને અન્ય લોકો પર આંગળી ચિંધ્યા પહેલા પોતાની આંતરિક સ્થિતિની નિષ્ફળતા જોવી જોઈએ અને તેણે નિષ્ફળતા માટે બીજાને દોષ આપવાને બદલે આત્મમંથન કરવું જોઈએ.’ ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, ‘સમગ્ર વિશ્વ આતંકવાદ સાથે જોડાયેલું સત્ય જાણે છે અને પાકિસ્તાને પોતાના દેશની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવું જોઈએ.’
બલૂચિસ્તાનમાં 11 માર્ચે ટ્રેન હાઈજેક કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 11 માર્ચે ટ્રેન હાઈજેક કરવામાં આવી હતી. બળવાખોર જૂથ બલોચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસ હાઈજેક કરી લીધી હીત. ટ્રેનમાં 400થી વધુ મુસાફરોમાં સૌથી વધુ સેાના જવાનો, પોલીસો અને ISI સાથે જોડાયેલા સુરક્ષા કર્મચારીઓ હતા. મીડિયા રિપોર્ટ મુજબ લગભગ 155 મુસાફરોને છોડાવાયા છે અને રેસ્ક્યૂ ઓપરેશન કરી 27 બલૂચ બળવાખોરોને ઠાર કરાયા છે.
પાકિસ્તાન ભારત પર નિરાધાર આક્ષેપ કર્યો હતો
ટ્રેન હાઈજેક થયા બાદ પાકિસ્તાને પોતાની નિષ્ફળતા છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારત પર નિરાધાર આક્ષેપો કર્યા હતા. તેણે ટ્રેન હાઈજેકની પાકિસ્તાનની નિષ્ફળતા છૂપાવવા માટે કોઈપણ પુરાવા વગર કહ્યું હતું કે, ભારત બલૂચ બળવાખોરોને સમર્થન કરી રહ્યું છે.
રાણા સનાઉલ્લાહ શું બોલ્યો હતો?
પાકિસ્તાનના ડૉન ટીવીના એક શોમાં સનાઉલ્લાહને પૂછવામાં આવ્યું હતું કે, શું અફઘાનિસ્તાનનું તહરીક-એ-તાલિબાન સંગઠન પાકિસ્તાન સ્થિત બલોચ લિબરેશન આર્મીને સમર્થન કરી રહ્યું છે? શું બંને સંગઠનો વચ્ચે કોઈ સંબંધ છ? જેના જવાબ આપતા સનાઉલ્લાહે સીધો ભારત પર આક્ષેપ કર્યો હતો. તે બોલ્યો હતો કે, ‘આ બધુ ભારત કરી રહ્યું છે, તેમાં કોઈ શક નથી.’
તેણે વધુમાં કહ્યું હતું કે, ‘ભારત આ સંગઠનોને મદદ કરી રહ્યું છે. સંગઠનને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રયસ્થાન મલ્યું છે. તેઓ ત્યાં બેસીને પાકિસ્તાન વિરુદ્ધ ષડયંત્ર રચતા હોય છે. આ બધા પાકિસ્તાનના દુશ્મન છે, તેમાં કોઈ બેમત નથી. આ કોઈ રાજકીય મુદ્દો નથી અને બલોચ બળવાખોરોનો પણ કોઈ રાજકીય એજન્ડા નથી. તેમનો ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં દહેશત ફેલાવવાનો, લોકોની હત્યા કરવાનો અને લૂંટફાટ કરવાનો છે.’