સમુદ્ર તટ પર કાચબાનો મહાકુંભ: 7 લાખ કાચબા ઈંડા મૂકવા આવ્યા, જુઓ અદ્ભુત નજારો
Endangered Olive Ridley Turtles At Odisha Beach: આ વખતે ઓડિશાના દરિયાકિનારે આવું અદ્ભુત નજારો જોવા મળ્યો, જેણે બધાને ચોંકાવી દીધા. અહીં ઓલિવ રિડલે કાચબાનો મેળો ભરાયો હતો અને તેઓએ લાખો ઈંડા મૂકીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગંજમ જિલ્લાના રુશિકુલ્યા રોકરીમાં આ વખતે 6.82 લાખથી વધુથી કાચબાએ ઈંડા મૂકીને ગયા વર્ષનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.
IAS સુપ્રિયા સાહુએ શેર કર્યો વીડિયો
IAS સુપ્રિયા સાહુએ 19 ફેબ્રુઆરીએ X પર વીડિયો પોસ્ટ કરતા કહ્યું હતું કે, 'ઓડિશામાં પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. લગભગ 3 લાખ ઓલિવ રિડલે કાચબા માસ નેસ્ટિંગ માટે અહીં આવ્યા છે, જે અરિબાડા તરીકે ઓળખાય છે. આ એક દુર્લભ ઘટના છે. આ કાચબા દરિયાઈ જીવસૃષ્ટિની જાળવણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેમનુ પરત આવવું એ સ્વસ્થ રહેઠાણની આશાસ્પદ નિશાની છે. 6.82 લાખથી વધુ ઓલિવ રિડલે કાચબા ઓડિશા પહોંચ્યા
ઓડિશાના બેરહામપુર ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર સન્ની ખોકરેના જણાવ્યા અનુંસાર અત્યાર સુધીમાં 6.82 લાખથી વધુ ઓલિવ રિડલે કાચબાએ બીચ પર ઇંડા મૂક્યા છે. આ સંખ્યા 2023માં 6.37 લાખ દરિયાઈ પ્રજાતિઓના આગમનના અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, 2023માં 23 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીના 8 દિવસના સામૂહિક માળખા દરમિયાન કુલ 6,37,008 કાચબાએ ઈંડા મૂક્યા હતા, જ્યારે 2022માં 5.50 લાખ કાચબાએ ઈંડા મૂક્યા હતા. તેમજ હાલ જગ્યા આ બીચ વન વિભાગની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. નિષ્ણાતો કહે છે કે માસ નેસ્ટિંગ માટે દરિયાકિનારા પર ઓલિવ રિડલે કાચબાના રેકોર્ડ સંખ્યામાં આવવાનું મુખ્ય કારણ અનુકૂળ આબોહવા છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII), દેહરાદૂનના વરિષ્ઠ વિજ્ઞાની બિવાસ પાંડવે જણાવ્યું હતું કે, 'આ વર્ષે, સારી આબોહવાના કારણે રુશિકુલ્યા નદીના મુખ પર વધુ સંખ્યામાં કાચબાએ ઈંડા મુક્યા છે. રુશિકુલ્યા નદી કાચબા માટે મુખ્ય આશ્રયસ્થાન તરીકે ઉભરી રહી છે. 330 કાચબા ફરી આવ્યા
એક વરિષ્ઠ વિજ્ઞાનીના કહેવા અનુસાર, ZSI વિજ્ઞાનીઓએ અત્યાર સુધીમાં 330 થી વધુ ઓલિવ રિડલે કાચબાને શોધી કાઢ્યા છે જેઓ ફરીથી અહીં આવ્યા છે. કારણ કે આ કાચબાને 2021-23ના સમયગાળામાં GPS-ટેગ કરવામાં આવ્યા હતા.
આ કાચબાના ઈંડાને બચાવવા માટે વાડ બાંધી
ખલ્લીકોટ રેન્જ ઓફિસરે જણાવ્યું હતું કે, 'સરકારે નવા વિસ્તારોને વાડ કરી છે કારણ કે આ વખતે કાચબાએ ન્યુ પોદામપેટાથી પ્રયાગી સુધીના લગભગ 9 કિલોમીટરના વિસ્તારમાં માસ નેસ્ટિંગ કર્યું છે. તેમણે કહ્યું કે આ વાડ ઈંડાને શિકારીઓથી બચાવવા માટે લગાવવામાં આવી છે. અમે ઈંડાની સુરક્ષા માટે સંપૂર્ણ સાવચેતી રાખી છે.’